તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘરોલીયા ગામે ગ્રામજનોનો દેશી દારૂનાં અડ્ડાઓ પર હલ્લો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી તાલુકાના ઘરોલીયા ગામે દેશી દારૂની ખુલ્લેઆમ ચાલતી હાટડીઓથી કંટાળી ગયેલા ગ્રામજનોએ અડ્ડાઓ નેસ્તનાબૂદ કરવાનાં લીધેલા નિર્ણયની પોલીસને જાણ થતાં રાતોરાત ત્યાં પહોંચીને ચારેક ઘરનાં વાડાઓમાં છુપાવેલો દેશી દારૂ બનાવવાના વોશનો નાશ કર્યો હતો. ચાર બૂટલેગરો પર પ્રોહિબિશનનો કેસ કર્યો હતો.

ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂનું દૂષણ ખૂબ ફુલ્યું ફાલ્યું છે. જેના લીધે ઘર કંકાસ, મારઝૂડ જેવા બનાવો બનવા સાથે ગ્રામ્ય યુવા ધન વ્યસનની લત તરફ વધી રહ્યું છે. આવા સંજોગોમાં બોડેલી તાલુકાનાં ઘરોલીયા ગામે ખુલ્લેઆમ ચાલતા દેશી દારૂના અડ્ડાઓથી મહિલાઓ કંટાળી ગઈ હતી. તેથી કેટલાક યુવાનોએ આવા અડ્ડાઓ બંધ કરવા બોડેલી પોલીસને રજૂઆત કરી હતી. પણ કોઈ કાર્યવાહી ન થતાં છેવટે ગ્રામજનોએ અડ્ડાઓ પર હલ્લો બોલાવવાનો નિર્ણય કર્યો હતો.

100 જેટલા યુવાનો આ બાબતે એકત્ર થયા હોવાની બોડેલી પોલીસને જાણ થતાં તુરંત ત્યાં પહોંચીને ચારેક ઘરોના વાડાઓમાં છુપાવેલો 90 લીટર દારૂ બનાવવાનો વોશ કબજે કરીને તેનો નાશ કર્યો હતો. જ્યારે ફરાર બૂટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

ગ્રામજનોની મક્કમતાને લીધે પોલીસને કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. હવે ગામને દારૂની બદીથી મુક્ત કરવાનો નિર્ણય યુવાનોએ લીધો છે.

બોડેલી તાલુકાનાં અનેક ગામોમાં દારૂ સામે હલ્લો બોલાવી ચુક્યા છે

ચાચક, જૂની બોડેલી ગણેશવડમાં અગાઉ દારૂના અડ્ડા પર હલ્લા બોલાવ્યો હતો
બોડેલીનાં ચાચક, જૂની બોડેલી, ગણેશવડ જેવા અનેક ગામોમાં અગાઉ દેશી દારૂનાં અડ્ડાઓ પર ગ્રામજનો હલ્લો બોલાવી ચુક્યા છે ત્યારે હજી કેટલાક ગામોની પ્રજા આ બાબતે જાગૃત બની શકે છે.

કેનાલ માર્ગે દારૂની હેરાફેરી છતાં પોલીસ નરમ
જાંબુઘોડા તાલુકાનાં કેટલાક અંતરિયાળ ગામોમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે ત્યાંથી કેનાલ માર્ગે બોડેલી તરફ દેશી દારૂ આવી રહ્યો છે પોલીસ આને લઈને કેમ કડક બનતી નથી તેવો સવાલ ઉઠી રહ્યો છે.

ઘરોલીયામાં દેશી દારૂની અડ્ડાઓને ગ્રામજનોએ નેસ્તનાબૂદ કરવાનાં લીધેલા નિર્ણયની પોલીસને જાણ થતાં ત્યાં પહોંચતા તેમની સાથે મળીને દારૂનો વોશનો નાશ કર્યો.તસવીર વલ્લભ શાહ

અન્ય સમાચારો પણ છે...