Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મકાનની દીવાલ પડતાં ત્રણ મજુરો દબાયા : એકનું મોત, બે ને ઇજા
બોરસદ તાલુકાના ધોબીકુઇ ગામે શનિવારે બપોરના મકાનની દીવાલ ધડાકાભેર તૂટી પડી હતી. જેને લઇ સ્લેબના સળીયા બાંધી રહેલા ત્રણ મજૂરો દીવાલ નીચે દબાઈ ગયા હતા. આ ઘટનામાં એક મજુરનું સારવાર દરમિયાન મરણ નીપજ્યું હતું જયારે બે ને ગંભીર ઈજાઓ પહોંચી છે.
ધોબીકુઈ ગામમાં સ્વામિનારાયણ મંદિરની સામે કાંતિભાઈ ઈશ્વરભાઈ પટેલના મકાનનું કામકાજ ચાલી રહ્યું છે. શનિવારે બપોરના એક વાગ્યાના સુમારે ચાર જેટલા મજૂરો મકાનના સ્લેબના સળીયા બાંધી રહ્યા હતા. ત્યારે બાજુમાં હસમુખભાઈ ચતુરભાઈ પટેલના જુના મકાનની દીવાલ ધડાકાભેર મજૂરો પર તૂટી પડી હતી જેને લઇ ત્રણ મજૂરો દીવાલ નીચે દબાઈ ગયા હતા જયારે એક મજુર દીવાલની બહારની સાઇડે હોઈ તેનો આબાદ બચાવ થયો હતો ધડાકાભેર દીવાલ તૂટતાં આજુબાજુમાં રહેતા લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. દીવાલના કાટમાળ હેઠળ દબાયેલા મજૂરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન જગદીશભાઈ ઊદેસિંહ સોલંકી ઉ.વ.38 નું મરણ થયું હતું જયારે ગિરીશભાઈ આશાભાઈ સોલંકી અને મહેશભાઈ રમેશભાઈ સોલંકીને ગંભીર ઈજાઓ હોઈ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.
સ્લેબના સળીયાનું કામ કરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના બનવા પામી
બોરસદના ધોબીકુઇ ગામે બપોરના સમયે ધડાકાભેર દીવાલ તૂટી પડી