સરોડાના ફાટા તળાવને સુજલામ સુફલામની યોજનાથી ભરવા માંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાલાસિનોરના ભાથીજીના મુવાડા ખાતે આવેલું ફાટા તળાવ છેલ્લા ઘણા સમયથી સુકાઈ ગયેલી હાલતમાં રહેતા આજુબાજુના ગામડાઓને ખેતી અને પીવાના પાણી માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે. બાલાસિનોર તાલુકામાં સરોડાના ભાથીજીના મુવાડામાં આવેલું ફાટા તળાવ છેલ્લા દશકથી સુકાયેલી હાલતમાં છે. આ વિસ્તારના લોકોને દર વર્ષે ઉનાળામાં ખેતી કરવા તેમજ પીવાના પાણી માટે વલખાં મારવા પડે છે.

ત્યારે આ બાબતે ગ્રામજનો એ 2015 થી સતત ફાટા તળાવમાં સુજલામ સુફલામનું પાણી નાખવા માટે માંગણી કરી હતી. સુજલામ સુફલામ સ્પ્રેડીંગ કેનાલ થી બાલાસિનોર તેમજ કપડવંજ તાલુકામાં ઝરમર નદી દ્વારા સુજલામ સુફલામ યોજનાની સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી 2016માં મળેલ છે પરંતુ આ બાબતે કોઈજ કામગીરી હાથ ધરવામાં આવી નથી, આ ઉપરાંત નાની સિંચાઇ વિભાગ લુણાવાડા, બાલાસિનોર તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરી છે જેનું કોઈજ પરિણામ ન આવતા ખેડૂતો દયનીય સ્થિતિમાં મુકાયા છે. ગ્રામજનો જણાવે છે કે આ તળાવ અંદાજિત 50 વિઘામાં પથરાયેલું છે, જો સરકાર દ્વારા આ તળાવ ભરવામાં આવે તો જોરાપુરા, મેઘલીયા, જાદવ પૂરા, બેકાના મુવાડા, સરોડા, ગધાવાડા, બોરી ડુંગરી, દેવસી તેમજ સલિયાવડી ગામોને પાણીની સુવિધા મળી શકે તેમ છે તેમજ 300 થી 400 કૂવાઓના પાણીના સ્તર ઉપર આવી શકે તેમ છે.

બાલાસિનોર સરોડાના ફાટા તળાવ સુકુભટ નજરે પડે છે. તસવીર-દામીન પટેલ

અન્ય સમાચારો પણ છે...