• Gujarati News
  • વેપારી પાસે ~20,000ની ખંડણી માગનાર 3 શખ્સ ઝડપાયા

વેપારી પાસે ~20,000ની ખંડણી માગનાર 3 શખ્સ ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાસ્ત્રીબાગપાસેની ફરસાણની દુકાનમાં મંગળવારે ઇવનીંગ સ્ટાન્ડર્ડ સાપ્તાહિકની ત્રિપુટીએ ઘૂસી જઇ તમે ગેસ સિલિન્ડર અને કેરોસીનનો ગેરકાયદે ઉપયોગ કરો છો કહી ~20,000ની ખંડણી માગી હતી. વેપારીએ પોલીસ કંટ્રોલરૂમમાં કોલ કરતા પાણીગેટ પોલીસ દોડી જઇ ત્રણેની ધરપકડ કરી હતી.

વાઘોડિયા રોડ પુનમ કોમ્પલેક્ષ પાસેની અંબાલાલ પાર્ક સોસાયટીમાં રહેતા ભવરલાલ તુલસાજી પરમાર શાસ્ત્રીબાગ પાસે સ્વામી નારાયણ કોમ્પલેક્ષમાં પ્રકાશ ફરસાણ નામની દુકાન ધરાવે છે. મંગળવારે સવારે 11 વાગેે તેમની દુકાનમાં 3 જણ ઘૂસી જઇ શુટિંગ કરવા લાગ્યા હતાં. વેપારીએ ક્યાંથી આવો છો તેમ પૂછતા કારેલીબાગ તુલસીવાડી ખાતે રહેતો જિતેન્દ્ર હિંમત વણકરે કહ્યું કે ઇવનીંગ સ્ટાન્ડર્ડ સાપ્તાહિકમાંથી આવીએ છીએ.

તમે દુકાનમાં જે ગેસનો સિલિન્ડર અને કેરોસીનનો ઉપયોગ કરો છો તે ગેરકાયદેસર છે. તોડપાણી કરવા પડશે. તમારે ~20,000 આપવા પડશે તેમ જિતેન્દ્રે કહ્યું હતું જ્યારે તેની સાથેના બે શખ્સે પૈસા નહિ આપો તો પોલીસ અને પુરવઠા ખાતાને જાણ કરીશું , તમને જેલમાં પૂરી દેશે તેમ કહી જો કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. વેપારીએ પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરતા પાણીગેટ પોલીસ દોડી જઇ ત્રણે જણને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી. પૂછતાછમાં અન્ય બે શખ્સો સમા-સાવલી રોડના અજીતનગરનો હિરેન હરિશ ભટ્ટ અને કારેલીબાગ તુલસીવાડીનો વિનોદ નાજાભાઇ ખુમાણ હોવાનું કહ્યું હતું. પોલીસે ખંડણી અને ધમકીનો ગુનો નોંધી ત્રણેની ધરપકડ કરી હતી.