રાજ્યનાબાંધકામ શ્રમિકોને રૂા.10 માં પૌષ્ટિક ભોજન પૂરું પાડતી રાજ્ય સરકારની મહત્ત્વાકાંક્ષી-ગરીબલક્ષી એવી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વડોદરામાં તા.14 જૂનથી પ્રાયોગિક ધોરણે પ્રારંભ થયો છે. શહેરમાં શરૂ થયેલી યોજનાના 10 દિવસમાં 10 સેન્ટર શરૂ કરી દેવાયાં છે. જેમાં લાભાર્થીઓની સંખ્યામાં દિનપ્રતિ દિન વધારો થતાં 10 દિવસમાં 9147 શ્રમિકોએ લાભ લીધો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. શ્રમિકોને રૂા.10 માં 1800 થી 2000 કેલેરી ફુડ આપવામાં આવી રહ્યું છે.
વડોદરામાં હરિનગર, પાંચ રસ્તા સ્થિત કડિયા નાકા ખાતેથી તા.14 જૂને શ્રમિક અન્નપૂર્ણ યોજનાનો પ્રારંભ કરાયો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કડિયા નાકા ખાતે સવારે રોજગારીની શોધમાં ઊભા રહેતા શ્રમિકોને રૂા.10 માં ભોજન આપવાનું શરૂ કરી દેવાયું છે. વડોદરામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકોને રૂા.10 માં પૌષ્ટિક ભોજન આપવા માટે અક્ષયપાત્ર સંસ્થા સાથે એમ.ઓ.યુ.કરાયું છે. જેના ભાગરૂપે શહેરના જુદાજુદા 10 કડિયાનાકા ખાતેથી કામ પર જતા શ્રમિકોને સાથે લઇ જવા માટે ટિફિનમાં ભોજન પીરસવામાં આવી રહ્યું છે.
શહેરમાં શરૂ થયેલી ભોજન યોજનાને માત્ર 10 દિવસમાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે. જેના પગલે 10 દિવસમાં યોજનાનો લાભ લેનારા શ્રમિકોની સંખ્યા 392 થી વધીને 9147 ના આંકે પહોંચી છે. હરિનગર ખાતેના સેન્ટર પર પહેલા દિવસે 392 શ્રમિકોએ લાભ લીધા બાદ હવે સેન્ટર પર 521 શ્રમિકો રૂા.10 માં ભોજનની યોજનાનો લાભ લઇ રહ્યા છે.
શહેરમાં અન્નપૂર્ણા યોજનાના શરૂ થયેલા સેન્ટર્સ
} હરિનગર પાંચ રસ્તા-ગોત્રી રોડ
} વૃંદાવન ચાર રસ્તા- વાઘોડિયા રોડ
} જ્યુપીટર ચાર રસ્તા- મકરપુરા,જીઆઇડીસી
} મનીષા સર્કલ- ઓ.પી.રોડ
} સરદાર ચોક-છાણી ગામ
} સંગમ ચાર રસ્તા-કારેલીબાગ
} પાણીની ટાંકી ત્રણ રસ્તા-આજવા રોડ
} દશા માતા મંદિર-ગોરવા
} શાક માર્કેટ ચાર રસ્તા-તરસાલી
શ્રમિકો માટેનું ભોજનનું મેનુ સરવે કરીને તૈયાર કરાયું
વડોદરાનાજુદાજુદા વિસ્તારોમાં 13 જેટલાં કડિયા નાકા આવેલા છે. કડિયા નાકા ખાતે ઊભા રહેતા શ્રમજીવીઓનો સર્વે કરીને ભોજનનું મેનુ તૈયાર કરાયું હોવાની વિગતો સાંપડી છે. જે અંતર્ગત રૂા.10 માં અપાતા ભોજનમાં સબજી અથવા દાળ, રોટલી અથવા થેપલાં, તળેલાં મરચાં, ચટાકેદાર ચટણી, ભાત તેમજ અઠવાડિયામાં એક દિવસ પૌષ્ટિક સુખડી પીરસવામાં આવે છે. શહેરમાં યોજનાના 10 સેન્ટર્સ શરૂ થઇ ચૂક્યા છે. આગામી દિવસોમાં ન્યાયમંદિર અને માંજલપુર-કબીર મંદિર પાસેના કડિયા નાકા ખાતે ભોજન યોજનાના સેન્ટર શરૂ થશે.
રૂા.10 માં ભોજનની શ્રમિક અન્નપૂર્ણા યોજનાના 10 સેન્ટર્સ શરૂ