મહિલાની આંખમાં મરચું નાંખી મંગળસૂત્રની લૂંટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાઘોડિયારોડ પર નાલંદા સોસાયટી પાસે બપોરના 2 વાગ્યાના અરસામાં ચાલતી જઇ રહેલી મહિલાની આંખમાં મરચું નાંખીને અજાણ્યા શખ્સે મહિલાએ પહેરેલું ચાંદીનું સોનાના ઢોળ ચડાવેલા મંગળસુત્રની લૂંટ ચલાવી હતી. લગ્નમાંથી પરત ફરેલી બંને મહિલા રિકશામાંથી ઉતરીને ઘર તરફ ચાલતી જઇ રહી હતી, ત્યારે લૂંટારો તેમની થોડે દુર એક્ટીવા પાર્ક કરીને ચાલતો મહિલા પાસે આવ્યો હતો અને આંખમાં મરચું નાંખી લૂંટ ચલાવી હતી.

બનાવની વિગત મુજબ જયશ્રી બળંવતભાઇ વાલવડકર (ઉ, 56, જય રણછોડ સોસાયટી,નાલંદા પાણીની ટાંકી પાછળ) શનિવારે સબંધીને ત્યાં યોજાયેલા લગ્નમાં હાજરી આપવા ગયા હતા. શનિવારે બપોરે 2 વાગ્યાના અરસામાં તેઓ લગ્નમાં હાજરી આપી પરત ફર્યા હતા. નાંલદા સોસાયટી પાસે રિકશામાંથી ઉતરીને તેઓ અન્ય એક મહિલા સાથે ચાલતા ચાલતા ઘર તરફ જઇ રહ્યા હતા, ત્યારે સામેથી એક શખ્સ ચાલતો ચાલતો આવ્યો હતો. રસ્તા પર ચાલતી જઇ રહેલી બંને મહિલા કંઇ સમજે તે પહેલાં શખ્સે બંનેની આંખમાં મરચાંની ભુકી નાંખી હતી. મરચાંની ભુકી આંખમાં નાંખતા મહિલાઓની આંખમાં બળતરાં થવા લાગી હતી. તકનો લાભ ઉઠાવી શખ્સે જયશ્રીબેનના ગળામાં હાથ નાંખી તેમણે પહેરેલ સોનાનો ઢોળ ચડાવેલ મંગળસુત્ર (કિંમત 3000) તોડીને લૂંટ ચલાવી ભાગી છુટયો હતો.

શખ્સ દુર તેની એક્ટીવા પાર્ક કરીને આવ્યો હતો અને લૂંટ ચલાવ્યા બાદ તુરત દોડીને એક્ટીવા લઇને ફરાર થઇ ગયો હતો. ઘટનાની થોડી મિનીટો બાદ બંને મહિલા સ્વસ્થ થઇ હતી. પાણીગેટ પોલીસે તપાસ શરુ કરી હતી.

મહિલા સ્વસ્થ થઇ પોલીસ ફરિયાદ નોંધાવી

નાલંદા ટાંકી પાસે ભર બપોરે બનેલો બનાવ

અન્ય સમાચારો પણ છે...