નવરાત્રિનું સમાપન: આજે દશેરાના વિજય પર્વની ઉજવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ,શહેર તાલુકા અને માંડલ, દેત્રોજ- રામપુરા સહીત પંથકમાં આદ્ય શકિતની ઉપાસનના પર્વ સમા નવરાત્રિ પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિ નવ દિવસ દરમિયાન ખેલૈયાઓ મન મુકીને ઘુમ્યા હતા.

પંથકમાં ભારે ઉલ્લાસ અને ઉમંગભેર નવરાત્રિનું સમાપન થયુ હતું. આજે અસત્ય પર સત્યના વિજય સમા વિજયા દસમીનું વિજય પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવણી થશે. ઠેર ઠેર રાવણના પુતળાનું દહન કરવામાં આવશે અને ફાફડા- જલેબીની જયાફત જામશે. વિરમગામ તાલુકા ક્ષત્રિય કેળવણી મંડળ દ્વારા બહુચરાજીમાં વિજયા દસમી પર્વની ઉજવણી થશે. વિરમગામ, માંડલ, દેત્રોજ, બહુચરાજી સહીત પંથકના ક્ષત્રિયો ઉપસ્થિત રહેશે. દરબારી સાફા સાથે શોભાયાત્રા, સમી પુજન, શસ્ત્ર પુજન, શાસ્ત્ર પુજન સહીતના કાર્યક્રમો યોજાશે. ચુંવાળ પંથકના અશોકનગરમાં દેવીપુજક પરીવાર દ્વારા તૈયાર કરેલ રાવણાના 60 ફૂટ ઉંચા પુતળાનું દહન કરવામાં આવશે. સાંજે સાત કલાકે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. પંથકના રામપુરા પટેલ વાસ, પનાર સહીત ગામોમાં દહનના કાર્યક્રમ યોજાશે.

ક્ષત્રિયો શસ્ત્ર પૂજન કરશે, ફાફડા- જલેબીની જયાફત ઉડાવાશે અને વાહન પૂજન પણ કરાશે