દ.ગુજરાતમાં ભારે, મધ્ય-ઉ.ગુ.માં મધ્યમ વરસાદ થશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લો પ્રેશરને લીધે રાજ્યભરમાં 5 દિવસ મધ્યમ-ભારે વરસાદ પડશે

સૌરાષ્ટ્ર-કચ્છનીસાથે અરબી સમુદ્રનાં ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં લો પ્રેશરની સાથે અપરએર સાઈક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે, જેને કારણે આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને રાજ્યનાં દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તેમજ અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગની વકી છે.

હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, બુધવારે વરસાદી માહોલ વચ્ચે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.3 ડિગ્રી ઘટીને 34.5 ડિગ્રી અને લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી નોંધાયું હતું. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 88 ટકા અને સાંજે 5.30 કલાકે 89 ટકા નોંધાયું હતું.

શહેરમાં દિવસ દરમિયાન એકથી બે વરસાદી ઝાપટાં પડ્યાં હતા પણ ધોધમાર વરસાદની ગેરહાજરીને કારણે શહેરમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધતાં લોકો પરેશાન થઇ ઊઠ્યાં હતા. જો કે, સાંજનાં 4.00 વાગ્યે પડેલાં જોરદાર વરસાદી ઝાપટાને કારણે શહેરમાં ઠંડક વધી હતી. તેમજ આગામી ચાર દિવસો દરમિયાન શહેરમાં મધ્યમથી હળવો વરસાદ પડી શકે છે, ત્યારબાદ વરસાદનું પ્રમાણ ઘટવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

સૌરાષ્ટ્ર-કચ્છની સાથે અરબી સમુદ્રનાં ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં લો પ્રેશરની સાથે અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનની અસરોથી આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યભરમાં ભારેથી હળવા વરસાદની વકી હવામાન વિભાગે કરી છે.

જેમાં દક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદ, અમદાવાદ, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં મઘ્યમથી હળવા વરસાદની શક્યતા છે. બુધવારે રાજ્યનાં અમદાવાદ સહિત વલ્લભ વિદ્યાનગર, સુરત, વલસાડ, ભાવનગર, પોરબંદર, વેરાવળ, દીવ, મહુવા અને નલિયામાં મેઘમહેર જારી રહી હતી.

સવારથી કાળા ભમ્મર વાદળો ઘેરાયા બાદ બપોરે અમદાવાદમાં છૂટોછવાયો વરસાદ થયો હતો.