તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંખેડા-બોડેલી તાલુકામાં પાણી નહીં છોડાતાં ખેડૂતો પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા-બોડેલી તાલુકાને સિંચાઇ માટેનું પાણી પુરુ પાડતી હેરણ કેનાલમાં પાણી નહી છોડાતા ખેડુતો પરેશાન બન્યા છે.આ વિસ્તારમાં આશરે 3200 એકર જમીન હેરણ કેનાલના કમાંડ વિસ્તારમાં આવે છે.

કપાસ સહિત ખેતીના પાકો સિંચાઇથી વંચિત રહેતા ખેડુતો પરેશાન બન્યા છે.સંખેડા તાલુકાની અન્ય બીજી કેનાલોમાં પાણી છોડાયું પણ હેરણ કમાંડના ખેડુતોને પાણી નહી અપાતા તંત્ર પ્રત્યે ખેડુત આલમમાં રોષની લાગણી ફેલાઇ છે.

સંખેડા-બોડેલી તાલુકાના વિસ્તારના ખેડુતોને સિંચાઇ માટે નર્મદાની મેઇન કેનાલ ઉપર આધારીત હેરણ કેનાલમાં પાણી છોડવા માટે ખેડુતો દ્વારા માંગણી કરાઇ રહી છે.હેરણ કેનાલનો કમાન્ડ વિસ્તાર આશરે 3200 એકર જેટલો છે.

આ કમાંડ વિસ્તારમાં હાલમાં મોટાભાગે કપાસનું વાવેતર કરવામાં આવેલું છે.પણ ખેડુતો કરેલા વાવેતરને હાલમાં પાણીની તાતી જરુરીયાત છે.

જેથી ખેડુતો દ્વારા કેનાલમાં પાણી છોડવા માટેની માંગ કરવામાં આવી રહી છે.પણ તંત્ર દ્વારા ખેડુતોની માંગણીને નજર અંદાજ કરીને પાણી છોડવામાં આવતું નથી.જેને કારણે ખેડુત આલમમાં વ્યાપક રોષની લાગણી ફેલાયેલી છે.

હાલમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.જેથી પાક સુકાઇ રહ્યો છે. આ વિસ્તારમાં કૂવાઓનું પ્રમાણ પણ ઓછુ છે.જેથી ખેતીની સિંચાઇ માટે ખેડુતોને હેરણ યોજનાની કેનાલો ઉપર જ ફરજિયાત પણે આધાર રાખવો પડે છે.

તાજેતરમાં તંત્ર દ્વારા સંખેડા-બોડેલી તાલુકાને સિંચાઇનો લાભ આપવા માટે ભિલોડીયા અને સંખેડા બ્રાંચ કેનાલમાં પાણી છોડી દેવાયું છે.

આ બન્ને બ્રાંચ કેનાલોમાં પાણી છોડાવાના કારણે આશરે 8000 હેક્ટર જમીનને સિંચાઇનો લાભ મળશે.પણ હેરણ કેનાલમાં પાણી નહી છોડાતા આ કેનાલ ઉપર આધાર રાખીને ખેતી કરતા ખેડુતોને હાલમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હેરણ નદીના આડબંધમાંથી પાણી છોડાયું
હાલમાં રાજવાસણા ગામ પાસે હેરણ નદી ઉપર આડબંધ બનેલો છે.આ આડબંધની ઉપરથી પાણી નદીમાં નકામું વહી જાય છે.જેથી આ નકામા વહી જતા પાણીને અટકાવીને તેને રાજવાસણા ગામ પાસે કેનાલનામાં વાળીને તે પાણીને હાલમાં હેરણ કેનાલમાં નાખવામાં આવી રહ્યું છે.પણ આ પાણી માંડ કોસીંન્દ્રા-વાસણા સુધી જ પહોંચે છે.

મંજૂરી આવતાં જ પાણી છોડાશે
હેરણ કેનાલમાં પાણી છોડવા માટે 29મી તારીખે પત્ર લખી દીધો છે.નર્મદા કેનાલમાં પાણીનું લેવલ કરવું જરુરી છે.જેથી ઉપરથી મંજુરી આવતા જ હેરણ કેનાલમાં પાણી છોડી દેવામાં આવશે. ડી.એન.પરીખ,ડેપ્યુટી એંજિનિયર હેરણ કેનાલ

કપાસનો પાક સૂકાઈ રહ્યો છે
હેરણ કેનાલમાં પાણી છોડવા માટે અવાર-નવાર રજુઆતો કરી છે.પણ હજી સુધી પાણી છોડવામાં આવ્યું નથી.હાલમાં વાતાવરણમાં ગરમી છે.કપાસનો પાક સુકાઇ રહ્યો છે.પણ તેમ છંતા તંત્ર દ્વારા પાણી છોડવામાં આવતું નથી.આ કેનાલના છેવાડાના વિસ્તારના ખેડુતોને સૌથી વધારે મુશ્કેલી પડે છે. અરૂણભાઇ પટેલ, ખેડુત ભાટપુર

અન્ય સમાચારો પણ છે...