સંખેડા તાલુકામાં દોઢ ઇંચ વરસાદમાં માંજરોલમાં કમર સુધીના પાણી ભરાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકામાં આજે બપોરે બે કલાકમાં દોઢ ઇંચ પડેલા વરસાદને પગલે માંજરોલ ગામ પાસે કમરસમુ પાણી ભરાયું હતું. આ રસ્તેથી અવર-જવર બંધ થઇ હતી.છંતા કેટલાક લોકો જોખમ ખેડીને પસાર થવાનો પ્રયાસ કરતા હતા.માંજરોલ વિસ્તારમાં વધુ વરસાદ પડ્યો હોવાથી નાળા છલકાઇ જતા પાણી ભરાયા હતા.તંત્રના જવાબદાર કોઇ અધિકારી ત્યાં પંહોચ્યા નહોતા.આ રસ્તેથી બહાદરપુર-ડભોઇ વચ્ચેનો વાહનવ્યવહાર સદંતર બંધ થયો હતો. સંખેડા તાલુકાના માંજરોલ પંથકમાં આજે બપોરે વરસાદ વધારે વરસ્યો હતો.

જોકે સંખેડા તાલુકામાં પણ બપોરે આશરે સવા ત્રણ વાગ્યાના સુમારે વરસાદ શરૂ થયો હતો જે સાંજે સાડા પાંચ વાગ્યા સુધી વરસ્યો હતો.આટલા વરસાદને કારણે માંજરોલ પંથકના નાળા પાણીથી છલકાઇ ગયા હતા.માંજરોલ ગામે વઢવાણા-ડભોઇ રોડ ઉપર સાંજે પાણી ભરાઇ ગયું હતું.પાણી ભરાઇ જવાના કારણે આ રસ્તેથી સ્થાનિકો સિવાયના અન્ય લોકોની અવર જવર સદંદર બંધ થઇ ગઇ હતી.જે લોકો પસાર થતા હતા તે પણ કમરસમા પાણીમાં પસાર થવા મજબુર બન્યા હતા.

અત્રે વસતા સ્થાનિકોએ રોષપૂર્વક જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પાણીના નિકાલ માટે બનેલા નાળામાં સાંકડા ભૂંગળા હોઇ પાણી આગળ જતું નથી.જો મોટા ભૂંગળાવાળુ નાળુ બનાવાય તો પાણીનો ઝડપથી નિકાલ થઇ જાય.પાણીનો નિકાલ નહી થવાના કારણે અહિયા રહેણાક વિસ્તાર સુધી પણ પાણી પંહોચી જાય છે. આ રસ્તો ડભોઇ જવા માટેનો અને ડભોઇથી સંખેડા તરફ આવવાનો ટુંકો માર્ગ હોઇ અનેક લોકો આ રસ્તેથી અવર-જવર કરે છે.આવા અનેક વાહનચાલકો અહિયા આવ્યા બાદ બીજા રસ્તેથી જવા મજબુર બન્યા હતા.

સંખેડા તાલુકાનું માંજરોલ ગામ ફક્ત દોઢ ઇંચ પડેલા વરસાદમાં પાણીથી ઘેરાઇ ગયું હતું. તસવીર - સંજય ભાટિયા

અન્ય સમાચારો પણ છે...