તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખી ડેમમાં 1.9 મી-રામી ડેેમમાં 2.75 મી પાણીની સપાટી વધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લામાં આવેલા સુખી ડેમમાં બે દિવસમાં પાણીની સપાટી 1.9 મીટર અને રામી ડેમમાં પાણીની સપાટીમાં 2.75 મીટરનો વધારો થયો છે. ગુરૂવારની રાત્રે પડેલા વરસાદને પગલે પાણીની આવક વધી છે. ખેડૂતોને ડેમના પાણીનો સિંચાઈ માટે લાભ અપાય છે. છોટાઉદેપુર જિલ્લામાં બે ડેમ આવેલા છે. પાવી જેતપુર તાલુકામાં સુખી ડેમ અને કવાંટ તાલુકામાં રામી ડેમ છે. આ બન્ને ડેમમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં પૂરતો વરસાદ નહીં પડવાના કારણે પાણીની આવક ખુબ જ ઓછી નોંધાઈ હતી. જેથી ડેમના પાણીના આધારે ખેતીની સિંચાઈનું પાણી મેળવતા ખેડૂતોમાં નિરાશા ફેલાઈ હતી. પણ ગુરુવારે રાત્રે છોટાઉદેપુર જિલ્લામાં મેઘરાજાએ તોફાની ઇનિંગ ખેલતા હોય એમ મુશળધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે આ બન્ને ડેમમાં પાણીની સારી આવક નોંધાઈ હતી. જિલ્લાની ડિઝાસ્ટર શાખાએ આપેલા આ બન્ને ડેમના આંકડા મુજબ તા.17મી ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યે સુખી ડેમની સપાટી 140.9 મીટર અને રામી ડેમની સપાટી 188.75 મીટર હતી. તા.18મી ઓગસ્ટના રોજ સવારે 6 વાગ્યે પાણીની સપાટી સુખી ડેમની 142.6 મીટર અને રામી ડેમની સપાટી 190 મીટર હતી.જ્યારે તા.19મી ઓગસ્ટના રોજ સવારે સુખી ડેમની સપાટી 142.8 મીટર અને રામી ડેમની સપાટી 191.5 મીટરે પહોંચી છે. આમ માત્ર ત્રણ દિવસમાં જ સુખી ડેમની સપાટીમાં 1.9 મિટરનો અને રામી ડેમની સપાટીમાં 2.75 મિટરનો વધારો થયો છે. આમ બન્ને ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થતાં ખેડૂત આલમમાં પણ આનંદની લાગણી ફેલાઇ છે.

ગુરૂવારે રાત્રે મુશળધાર વરસાદ થતા પાવીજેતપુરના સુખી ડેમમાં પા.જે.ના સુખી ડેમમાં પાણી સપાટી વધી. સંજય ભાટિયા

અન્ય સમાચારો પણ છે...