ચાચરાવાડી પાસેથી છરી બતાવી લૂંટ ચલાવતી ગેંગના 4 ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા-ચાંગોદર હાઈવે ઉપર આવેલા ચાચરાવાડી ગામના પાટિયા પાસે છરી બતાવી વાહનચાલકોને લૂંટ ચલાવતી ગેંગને રંગે હાથે ચાંગોદર પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દઈને કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા આર.વી.અસારીએ તમામને ચુસ્ત પેટ્રોિલંગ કરવા સૂચના આપી હતી. સૂચના અનુસાર ચાંગોદર પોલીસના પીઆઈ એમ.વી.પટેલ, કો.ધર્મેન્દ્રસિંહ ડોડ,ગણેશભાઈ તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન કો.ધમેન્દ્રસિંહને બાતમી મળી હતી કે બાવળા ચાંગોદર હાઈવે ઉપર આવેલા ચાચરાવાડી વાસણા મંદિર જવાના રસ્તા પર પિયાગો રિક્ષા અને એક સી.એન.જી રિક્ષામાં કેટલાક લોકો છરી લઈ લૂંટ ચલાવવાના ઇરાદાથી ઉભા છે. આ બાતમીના આધારે ચાંગોદર પોલીસે બાતમી મુજબની જગ્યાએ પહોંચી જઈને તપાસ કરતાં ચાર લોકો રિક્ષામાં બેઠા હતા. જેમની પૂછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ નહીં મળતાં તેઓની તલાશી લેતા તેમની પાસેથી એક છરી,એક ચાંદીની ચેઇન,5000 રોકડા,10નંગ મોબાઈલ મળી આવ્યા હતા. જેથી પોલીસે રિક્ષાઓ સહિતનો તમામ મુદ્દામાલ કબજે લઈ તેઓને જેલના સળીયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ પી.આઇ.એમ.વી.પટેલે હાથ ધરી છે.

પકડાયેલા આરોપીઓમાં વનરાજસિંહ હનુભાઈ (રહે.કોલટ તા.સાણંદ), હાર્દિપસિંહ વિરભદ્રસિંહ વાઘેલા (રહે.પરવાળા તા.સાણંદ), વિષ્ણુભાઈ મેલાભાઈ ચુનારા (રહે.પરવાળા તા.સાણંદ) તથા પ્રકાશ નરસિંહભાઈ પગી (રહે.મોરૈયા તા.સાણંદ)નો સમાવેશ થાય છે. આરોપીઓ રાજસ્થાનના હાઈ વે ઉપર નીકળતાં ટેલરોની આગળ રીક્ષાઓ ઉભી રાખી છરી લઈ કેબીનમાં ચડી જઇને છરી બતાવી ટ્રક ચાલકોને લૂંટી લઇ ફરાર થઇ જતાં હતા. તેઓએ અત્યાર સુધીમાં કેટલી અને ક્યાં-ક્યાં લૂંટ ચલાવી છે તેની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...