પલવાડાના રહીશોના ગેરકાયદે દબાણના વિરોધમાં ધરણા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાણંદ તાલુકાના પલવાડા ગામે અનુસુચિત જાતી સમાજના આવવા જવાના જાહેર રાહદારી રસ્તા પર માથાભારે શખ્સો દ્વારા કરાયેલા દબાણ મુદ્દે આ ગામના લોકો છેલ્લા બે દિવસથી સાણંદ તાલુકા પંચાયતમાં ધરણા પર બેઠા છે.

સાણંદ તાલુકાના પલવાડા ગામે અનુસુચિત જાતી સમાજના વડવાઓ વખતનો અવર જવરનો રસ્તો વર્ષ 2011 સુધી ઉપયોગ કરાતો હતો. જેમાં આજ ગામના કો.પટેલ સમાજના શખ્સો દ્વારા અહીં મકાનનું બાંધકામ કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. તેમજ દલીય ફળિયામાં પીવાના પાણીનો કુવો હતો. તેમાં પણ પુરાણ કરી બાંધકામ કરી દેવાયું છે. તેમજ આ શખ્શો દ્વારા ગંદકી પણ કરવામાં આવે છે. આ અંગે આ ગ્રામજનો એ વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરી હોવા છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં આવતા લોકો તા.23 ફેબ્રુઆરીથી સાણંદ તાલુકા પંચાયતમાં આમરણ ઉપવાસ પર બેઠા છે. આ ગામના અનુસુચિત સમાજના અગ્રણી પ્રવીણકુમાર વિઠ્ઠલભાઈ રાઠોડે જણાવ્યું હતું કે અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમો તાલુકા પંચાયતમાં ઉપવાસ ચાલુ રાખીશું.ઉપરોક્ત પ્રકરણ અંગે સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ જે.પી.વાઘેલાએ જણાવ્યું હતું કે આ મુદ્દે કો.પટેલ સમાજના અગ્રણી ખેંગારભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ખોડાભાઈ પટેલ સહિત આગેવાનો તેમજ તાલુકા પંચાયતના કર્મીઓએ સ્થળ ઉપર જઈ પ્રયત્નો શરુ કર્યા છે. અને ટૂંક સમયમાં રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...