• Gujarati News
  • ખેતરમાં ઢોર ચરાવવાની બાબતે બે જૂથોમાં મારામારી : પાંચને ઇજા

ખેતરમાં ઢોર ચરાવવાની બાબતે બે જૂથોમાં મારામારી : પાંચને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડલતાલુકાના નાપકપુરમાં ખેતરમાં ઢોર ચરાવવાની બાબતે એક કોમના બે જૂથોમાં બોલાચાલી બાદ બે જૂથોમાં લાકડી, કુહાડી જેવા હથિયારો સાથે ફડાફડી થઇ હતી. મારામારીમાં બન્ને જૂથના પાંચ શખ્સોને નાની-મોટી ઇજાઓ થતા સારવાર અર્થે લઇ જવાયા હતાં. વિઠ્ઠલાપુર પોલીસે બન્ને જૂથોની સામ-સામે પોલીસ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

માંડલ તાલુકાના નાપકપુર ગામે રહેતા જયંતીભાઇ પોપટભાઇ પટેલે પોતાન ખેતરમાં અરજણભાઇ ભરવાડને ઢોર ચરાવવા માટે કહ્યું હતું. અરજણભાઇ ભરવાડ ખેતરમાં ઢોર ચરાવી રહ્યા હતા તે દરમિયાન રૂથાભાઇ દેવાભાઇ ભરવાડ ત્યાં આવી પહોંચી ઢોર ચરાવવા બાબતે બન્નેમાં બોલાચાલી થઇ હતી. બોલાચાલી દરમિયાન ઝઘડો થતા બન્ને જૂથ લાકડી-કુહાડી જેવા ઘાતક હથિયારો લઇ આમને સામને આવી ગયા હતાં. અરજણભાઇ ભરવાડ, ભુલાભાઇ અરજણભાઇ ભરવાડ, વિઠ્ઠલભાઇ અરજણભાઇને શરીરના ભાગે તથા હાથ-પગે ગંભીર ઇજા થતા સારવાર અર્થ મહેસાણા લઇ જવાયા હતાં. અરજણભાઇ ભરવાડે સામેના જૂથના રૂથાભાઇ દેવાભાઇ, લાલભાઇ દેવસીભાઇ, કાળુભાઇ હરજીભાઇ, વાસુભાઇ કાળુભાઇ, દેવસીભાઇ હરજીભાઇ, ઝીણાભાઇ હરજીભાઇ તમામ ભરવાડ રહે. નાપકપુર, વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સામેના જૂથના વકતાભાઇ કાળુભાઇ ભરવાડે વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનમાં વિષ્ણુભાઇ અરજણભાઇ, અરજણભાઇ ધનાભાઇ, ભુલાભાઇ અરજણભાઇ તમામ ભરવાડ રહે.નાપકપુર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્રણેય શખ્સોએ ભેગા મળી લાકડી, કુહાડી જેવા ઘાતક હથિયારો ધારણ કરી વકતાભાઇ કાળુભાઇ, ઝીણાભાઇ હરજીભાઇ, દેવસીભાઇ હરજીભાઇ તમામ ભરવાડ રહે.નાપકપુરને શરીર તથા હાથ-પગે ઇજા કરી હતી.

તમામ ઇજાગ્રસ્તોને મહેસાણા સહિત સ્થળે સારવાર અર્થે લઇ જવાયા હતાં. વિઠ્ઠલાપુર પોલીસ બનાવની જાણ થતા નાપકપુર ગામે પહોંચી પરિસ્થિતિ અંકુશમાં લીધી હતી. વધુ તપાસ વિઠ્ઠલાપુર પોલીસ સ્ટેશનના હેક કોન્સ્ટેબલ દીલીપભાઇ કરી રહ્યાં છે.