દેથાણની જર્જરિત શાળાના ઓરડામાં બાળકો ભણે છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરાજિલ્લા પંચાયતના ઉપપ્રમુખે બુધવારે કરજણ તાલુકાના દેથાણ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન બાળકો પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડામાં અભ્યાસ કરતાં હોવાનું નિહાળી ઉપપ્રમુખ ચોંકી ઉઠ્યા હતા.

વડોદરા જિલ્લા પંચાયત હસ્તકની કરજણ તાલુકામાં દેથાણ ગામમાં આવેલી ધો.1 થી 8 ની પ્રાથમિક શાળામાં 270 બાળકો અભ્યાસ કરે છે. શાળામાં કુલ-12 ઓરડા પૈકી 2 ઓરડા જર્જરિત હોઇ 1 ઓરડો તાજેતરમાં તોડી પાડવામાં આવ્યો હતો. પરંતુ હજુ 1 જર્જરિત ઓરડો તોડવા માટેની મંજૂરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી આપવામાં આવતી નથી. જેથી જર્જરિત ઓરડામાં બાળકો અભ્યાસ કરી રહ્યાં છે.

બુધવારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ એમ.આઇ.પટેલે દેથાણ ગામ તેમના મત વિસ્તારમાં આવતું હોઇ દેથાણ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન શાળાના જર્જરિત ઓરડામાં બાળકો બેસીને અભ્યાસ કરતા હોવાનું જોવા મળતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. તેમણે અંગે આચાર્યાનું ધ્યાન દોરતાં આચાર્યાએ કહ્યું હતું કે, જર્જરિત ઓરડો તોડવા માટેની ફાઇલ મંજૂરી માટે જિલ્લા પંચાયતમાં રજૂ કરી દેવાઇ છે. પરંતુ હજુ સુધી મંજૂરી આપવામાં આવી નથી.

ઉપપ્રમુખ એમ.આઇ.પટેલે દિવ્ય ભાસ્કરના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તાજેતરમાં પાદરા તાલુકાના ગામેઠા ગામની પ્રાથમિક શાળામાં જર્જરિત સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના બની હતી. તેમ છતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ જર્જરિત ઓરડા તોડી પાડવાની મંજૂરી આપવામાં વિલંબ કરી રહી છે. દેથાણમાં જર્જરિત ઓરડાની દીવાલમાં મોટી તિરાડ પડેલી છે. તેમજ પતરાં પણ નથી. શાળાની આવી હાલતને કારણે દુર્ઘટના-જાનહાનિ સર્જાય તેવી શક્યતા છે.

શાળામાં દુર્ઘટના થાય તેવી પરિસ્થિતી સર્જાઈ શકે છે

જિ.પં.ના ઉપપ્રમુખ શાળાની હાલત જોઇ ચોંકી ઉઠ્યા

અન્ય સમાચારો પણ છે...