માણસામાં ઠેરઠેર બનાવેલા બમ્પથી અકસ્માતમાં વધારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લાનાં માર્ગો પર વાહનોની ગતિને નિયંત્રીત રાખીને અકસ્માતો અટકાવવા બનાવવામાં આવેલા સ્પીડબ્રેકર અકસ્માત સર્જતા હોવાના બનાવો વધી રહ્યા છે. જેની પાછળ સ્પીડબ્રેકર બનાવવામાં તેનો નોમ્સની થતી ઐસી કી તૈસી જવાબદાર છે. ત્યારે માણસા પાલીકા દ્વારા શહેરનાં જુદા જુદા માર્ગો પર બનાવવામાં આવેલા અણઘડ સ્પીડબ્રેકર્સથી લોકો વાજ આવી ગયા છે અને સ્પીડ બ્રેકરો અકસ્માત સર્જક બની રહ્યા છે. પહેલા સ્પીડબ્રેકરનાં અભાવે બેફામ દોડતા વાહનોનાં કારણે અકસ્માતો સર્જાતા હતા.

માણસા શહેર ઉતર ગુજરાતમાં માણસા તાલુકો તથા પડોશી જિલ્લાનાં નાગરીકો માટે પણ અટાણાનું મહત્વનું નગર છે. એપીએમસીનાં કારણે ખેડુતો પણ મોટી સંખ્યામાં પોતાના ઉત્પાદનો વહેચવા આવતા રહે છે. ત્યારે માણસા પાલિકા દ્વારા સરકારી ગ્રાન્ટમાંથી લાખો રૂપીયાનાં ખર્ચે જુના તથા નવા આરસીસી રોડ બનાવી દીધા હતા. પરંતુ નવા બનેલા માર્ગો પર નાના મોટા તમામ વાહનો બેફામ ગતીએ દોડતા હોવાનાં કારણે અકસ્માતો પણ વધવા લાગ્યા હતા. જેના કારણે નાગરીકો દ્વારા રોડ પર સ્પીડ બ્રેકર્સ મુકવાની માંગ ઉઠાવવામાં આવી હતી. માંગણીનાં લાંબા સમય બાદ તંત્રને લોકોની માંગ વ્યાજબી લાગતા અચાનક તંત્ર જાગ્યુ હતુ અને રાતોરાત તમામ માર્ગો પર નજીક નજીકનાં અંતરે સ્પીડબ્રેકર બનાવી દીધા હતા. પરંતુ સ્પીડબ્રેકર બનાવતી વખતે સરકારની ગાઇડલાઇનને કોરાણે મુકીને ઢંગધડા વગરનાં સીમેન્ટની પાળી બનાવી દેતા કહેવાતા સ્પીડબ્રેકર વધુ જોખમી બન્યા છે. યોગ્ય ઢાળનાં અભાવે વાહન ધીમી ગતીએ સ્પીડ બ્રેકર પાર કરવાને બદલે સીધુ સ્પીડબ્રેકરમાં અથડાય છે અને અકસ્માતો સર્જાઇ રહ્યા છે. ઘણી જગ્યાએ સ્પીડ બ્રેકર પર બાઇક્સ ઉથલી પડવાના તથા સવારોને ઇજા થવાનાં અને વાહનોને મોટુ નુકશાન થવાનાં બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શહેરનાં તમામ સ્પીડબ્રેકર્સ સરકારી ધારાધોરણ પ્રમાણે નવેસરથી બનાવાય તેવી માંગ ઉઠી છે.

બહારગામનાં વાહન ચાલકોને ઝટકા

અન્ય સમાચારો પણ છે...