ભડાણા ગામમાં મારામારી કેસના બે આરોપી જેલ હવાલે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ભડાણા ગામમાં 1લી ઓગસ્ટે જૂની અદાવતને લઇ એક જ કોમના બે જુથ વચ્ચે મારામારી થઇ હતી. અને ધારીયા જેવા જીવલેણ હથિયારથી માર મરાતા માથા અને શરીરના ભાગે લોહીની ફૂટ થતા જાનથી મારી નાખવાના ગુના અનુસાર ફરિયાદ નોંધાઇ છે. આ ગુનામાં માંડલ પોલીસે શુક્રવારે બે આરોપીને પકડી પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ ફરિયાદી અલ્પેશકુમાર જયેન્દ્રસિંહ ઠાકોર 1લી ઓગસ્ટે ઘરેથી બહાર આવતા તે સમયે તેમના કાકા દીપકભાઇ રાજુજી નાઓ સાથે આજ ગામના કાળુભાઇ પ્રતાપભાઇ ઠાકોર તથા હિંમતભાઇ ઠાકોર અને પીયુશ ઉર્ફે ટીનાભાઇ ઠાકોર સાથે ઝઘડો કરતા હતા અને ફરિયાદી કાકા દીપકભાઇને ગાળો દેતા હતા તે સમયે દીપકભાઇએ સામેવાળાઓને ગાળો બોલવાની ના પાડતા આ ત્રણેય જણાં ઉશ્કેરાઇ ગયા હતા અને કાળુભાઇ તથા હિંમતભાઇ અને પીયુશ પાસે રહેલા હથિયાર ધારીયા, લાકડી વડે ત્રણે જણે દીપકભાઇ ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. દીપકભાઇએ બુમાબુમ કરતા ત્રણેય હથિયારો લઇ જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપતા ગયા હતા. ત્યારબાદ દીપકભાઇને સારવાર અર્થે વિરમગામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તબીબે માથામાં 17 ટાંકા લઇ સારવાર કરી હતી. ત્યારે આ બનાવની ફરિયાદ અલ્પેશ જયેન્દ્રસિંહ ઠાકોર તથા પ્રતાપભાઇ કાળુભાઇ ઠાકોર તથા પીયુશભાઇ મનુભાઇ ઠાકોર અને હિંમતભાઇ પ્રતાપભાઇ ઠાકોર (તમામ રહે. ભડાણા) વિરુદ્ધ નોંધાઇ હતી.

જે સંદર્ભે માંડલ પોલીસે શનિવારે પીયુશભાઇ મનુજી ઠાકોર (ઉ.25) અને હિંમતભાઇ પ્રતાપભાઇ ઠાકોર (ઉ.39) (રહે. ભડાણા)ને પકડી પાડ્યા હતા. આ બનાવની વધુ તપાસ માંડલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.એન. નીનામા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...