• Gujarati News
  • Local
  • Gujarat
  • Mahisagar
  • લુણાવાડાના સુવાના ખેડૂતોએ રેલવે માટે આપેલ જમીન પર વન વિભાગનો કબજો

લુણાવાડાના સુવાના ખેડૂતોએ રેલવે માટે આપેલ જમીન પર વન વિભાગનો કબજો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા તાલુકાના સુવા ગામના ખેડૂતોએ રેલવે માટે આપેલ જમીન પર વનવિભાગનો ગેરકાયદેસરનો કબ્જો હટાવી મૂળ માલિકોને પરત આપવા બાબતે મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી જણાવ્યુ છે કે 20મી સદીના આરંભે રાષ્ટ્રનિર્માણ માટે જરૂરી વાહનવ્યવહાર માટે અમો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની ભાણપુર ગ્રુપ ગ્રામ પંચાયતના મોજે સુવા ગામના ખેડૂતોએ જોડાઈને રેલ્વે વિભાગને લુણાવાડા - ગોધરા રેલ્વે માટે અમારી જમીન આપેલ હતી.

આ રેલ્વે ઇ.સ.1992માં સદંતર બંધ કરી દેવામાં આવી અને ઇ.સ.1997માં આ રેલ્વે લાઇનના પાટા ઉખાડી લેવામાં આવ્યા. જે તે રેલમાર્ગની આસપાસ વખતો વખત વનવિભાગને વૃક્ષ વાવેતર માટે કહેવામાં આવતું હતું. પાટા ઉખાડી લેવાયા બાદ વનવિભાગ દ્વારા ગેરકાયદેસર રીતે મૌકાનો ફાયદો ઉઠાવી ગેરકાયદેસર રોપા ઉછેર કેન્દ્ર અને નર્સરી શરૂ કરી દેવામાં આવી છે. કાયદેસર રીતે આ વનવિભાગની લુણાવાડા રેન્જની આ સુવા નર્સરી પર વન વિભાગનો કોઈ પણ હકક દાવો ન હોવા છતાં ગેરકાયદેસર માલિક બની આ નર્સરીથી દૂર આવેલ રે.સ.નં-૫૬ ના જે ગૌચર છે તે નાયક ફળિયાના નામે તલાટી કમ મંત્રીના મેળાપીપણામાં આકારણી પત્રક બનાવી એમજીવીસીએલના જે તે સમયના અધિકારી અને વનવિભાગના અધિકારીઓએ વીજકનેક્શન મેળવ્યું છે.

ખેડૂતો પાસે જે હેતુસર જમીન સંપાદન કરાઇ હોય તે હેતુસર ઉપયોગ ના થતો હોય ત્યારે મૂળ માલિકો જમીન પરત મેળવવાના હક્કદાર છે ત્યારે વન વિભાગે કોઈ પણ આધાર-પુરાવા વગર જમીન કબ્જે કરી ઊભી કરેલી સુવા નર્સરી દૂર કરવા આદેશ કરવા અરજ કરી છે.

સુવા ગામના અરજદારો અને જમીનના મૂળ માલિકોની માંગણી છે કે અમારા બાપદાદાઓ અને વડવાઓએ રેલવેના હેતુસર આપેલી જમીન હાલના સંજોગોમાં તે હેતુસરનો ઉપયોગ વર્ષોથી બંધ થયેલ હોઇ તેમજ નજીકના ભવિષ્યમાં રેલ્વેલાઇન શરૂ થવાના કોઈ એંધાણ નથી ત્યારે વન વિભાગે ગેરકાયદેસર રીતે પચાવી પાડેલી જમીન સરકારી રાહે મુક્ત કરાવવામાં નહીં આવે તો નાછૂટકે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરી તેમજ કાનૂની રાહે જમીન પરત મેળવવા લડત ચલાવવાની ફરજ પડશે તેમ જણાવતાં ખેડૂતોએ ઉપરોક્ત વિષયે તમામ આધાર-પુરાવાની ચકાસણી કરી ન્યાય અપાવવા અરજ કરી છે. જિલ્લા કલેકટરે ઉપરોકત વિષયે રેલવે વિભાગને જાણ કરવા સૂચના આપી છે.

લુણાવાડાના સુવા ગામના ખેડૂતોએ રેલવે માટે આપેલ જમીન પર વનવિભાગનો ગેરકાયદેસરનો કબ્જો હટાવી મૂળ માલિકોને પરત આપવા બાબતે મહીસાગર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યુ હતુ. ભદ્રપાલ સોલંકી

રેલ્વેની જમીનમાં નર્સરી કરેલ છે
1984- 85 ના રોપવાન રજીસ્ટર પ્રમાણે વિરણીયા રેલ્વે ફાટક થી પાનમ નદી રેલ્વે પુલ સુંધી 15 હેક્ટર જમીનમાં વાવેતર કરેલ છે.ત્યાર બાદ અમોએ સુવા ગામે રેલ્વેની જમીનમાં નર્સરી કરેલ છે. આર આર પટેલ, રેન્જ ફોરેસ્ટર લુણાવાડા

અન્ય સમાચારો પણ છે...