કુખ્યાત અસલમ બોડિયાની ગુનાખોરીમાં હાફ સેન્ચુરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિચ્છુગેંગના સૂત્રધાર અસલમ બોડિયાને મંગળવારે મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી તેની જડતી લેતાં 4 ઇંચનું ધારદાર ચાકુ મળી આવ્યું હતું. પોલીસે તેના વિરુદ્ધ હથિયારબંધીના જાહેરનામા ભંગના ગુનામાં ધરપકડ કર્યા બાદ વિદેશી દારૂના ગુનામાં નવાપુરા પોલીસને સોંપ્યો હતો. જાહેરનામા ભંગના ગુના સાથે અસલમ બોડિયાએ શહેરમાં ગુનાખોરીમાં હાફ સેન્ચુરી પૂરી કરી છે જ્યારે જિલ્લાનાં અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ 10 જેટલા ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.

નવાપુરા મહેબૂબપુરામાં રહેતો અસલમ ઉર્ફે બોડિયો હૈદરમિયા શેખ દોઢ મહિના પહેલાં વૈભવ એવેન્ડર કારમાં વિદેશી દારૂની હેરાફેરીના ગુનામાં વોન્ટેડ હતો. નવાપુરા પોલીસે રૂા. 1.80 લાખના દારૂનો જથ્થો જપ્ત કરી બોડિયાની શોધખોળ શરૂ કરી હતી. કુખ્યાત અસલમ બોડિયાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઇ હતી. દરમિયાન અસલમ બોડિયો મહેબૂબપુરા સ્થિત તેના ઘરે આવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ મહાવીરસિંહ વાઘેલાને મળતાં ટીમ ત્યાં દોડી ગઇ હતી.

પોલીસને જોઇ બોડિયાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પડી જતાં પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસે બોડિયાની અંગજડતી લેતાં તેની પાસેથી 4 ઇંચનું ધારદાર ચપ્પુ મળી આવ્યું હતું. પોલીસે બોડિયા સામે હથિયારબંધીના જાહેરનામાના જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. અસલમ બોડિયા સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હોઇ બુધવારે તેને નવાપુરા પોલીસને સોંપવામાં અાવ્યો હતો.

અસલમ બોડિયા સામે અત્યાર સુધી જુદાં-જુદાં પોલીસ સ્ટેશનોમાં 60 જેટલા ગુના નોંધાયા છે. જે પૈકી મંગળવારે હથિયારબંધીના જાહેરનામાના ભંગનો ગુનો બોડિયાનો વડોદરા શહેરમાં 50 મો ગુનો હોઈ ગુનાખોરીમાં તેણે હાફ સેન્ચુરી પૂરી કરી છે. જ્યારે વડોદરા ગ્રામ્યના વાઘોડિયા, તાલુકા, કરજણ સહિતનાં પોલીસ સ્ટેશનોમાં પણ તેની સામે ગુના નોંધાયેલા છે તેમજ રાજ્યની જુદી જુદી જેલોમાં 8 વખત પાસા થઇ ચૂકી હોવાનું ક્રાઇમ બ્રાન્ચમાંથી જાણવા મળ્યું છે.

અસલમ મહેબૂબપુરામાં હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને પકડવા માટે દોડી ગઇ હતી. પોલીસ પહોંચે તે પહેલાં અસલમને જાણ થઇ જતાં તે ઘરની બહાર નીકળી ભાગ્યો હતો પરંતુ પોલીસે તેને બધી બાજુએથી ઘેરી લીધો હતો. જોકે, બોડિયો પોલીસને જોઇ ભાગવા જતાં ખાડા- વાળા રસ્તાના કારણે પડી ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુખ્યાત અસલમને પકડી લીધો હતો.અલબત્ત, પોલીસથી બચવા ભાગેલો અસલમ 10 મિનિટ સુધી હાંફતો રહ્યો હતો. તેની શ્વસન- ક્રિયા નોર્મલ થયા બાદ પોલીસ તેને ભદ્રકચેરી સ્થિત ક્રાઇમ બ્રાન્ચ પર લઇ ગઇ હતી.

અસલમને પકડવા માટે ડંડા વગર જવાનો પોલીસનો પ્લાન કામિયાબ

અસલમને તેના નવાપુરાના ઘર પાસેથી પકડવો પોલીસ માટે એસિડ ટેસ્ટ સમાન હતો. સામાન્ય રીતે ડંડા લઇ પોલીસ તેને પકડવા જાય ત્યારે બોડિયાના સાગરીતો ટોળે વળી તેને છોડાવવાનો પ્રયાસ કરે તેવી પણ શક્યતા નકારી શકાય તેમ હતી. જેના કારણે પોલીસે ગઇકાલે ડંડા વગર જવાનો પ્લાન બનાવ્યો હતો. એક તબક્કે પોલીસની ટીમ વાહનો દૂર મૂકી ખાડા કૂદતાં કૂદતાં તેના ઘર નજીક પહોંચી તેને પકડી લેવામાં કામિયાબ રહી હતી. પોલીસનો મિજાજ જોઇ તેના સાગરીતો છાેડાવવાની હિંમત કરી શક્યા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

અસલમ બોડિયો 10 મિનિટ સુધી હાંફતો રહ્યો

ડંડા વગર પકડવા જવાનો પ્લાન કામિયાબ

અસલમ સામે 8 વખત પાસા અને 60 ગુના નોંધાયેલા છે

બોડિયાની અંગજડતી લેતા 4 ઇંચનું ચપ્પુ મળી આવ્યું

અન્ય સમાચારો પણ છે...