કલોલ શહેરમાં બાઇકની ટક્કર બાબતે બે જુથ વચ્ચે માથાકુટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં આવેલા કલોલ શહેરના સેન્ટ ઝેવીયર્સ પાસે આવેલા નુરે મુહમદી હોસ્પિટલ પાસે બાઇકની ટક્કરથી અકસ્માત સર્જાયો હતો. બાઇક ટકરાવવાની સામાન્ય બાબતે બે જુથો બાખડી પડ્યા હતાં. ઉગ્ર બોલચાલી ઝપાઝપી સુધી પહોંચી હતી. દરમિયાન એક શખ્સ ધાર્યુ લઇને તુટી પડતાં અફડાતફડી ફેલાઇ હતી. જ્યારે સામે પક્ષના શખ્સોએ સિંદબાદની સોસાયટીમાં હુમલો કરીને વાહનોની તોડફોડ કરી હતી. જેની જાણ પોલીસને થતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. બન્ને પક્ષ દ્વારા સામ સામે ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે આઠ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો મળતી વિગત અનુસાર કલોલ શહેરમાં આવેલા મટવાકુવા પાસે ગઢવીવાસમાં રહેતા ઇલીયાસભાઇ અબ્દુલભાઇ ચૌહાણના શેઠના દિકરાને નુરે મહમદી હોસ્પિટલ પાસે બાઇક અથડાવા બાબતે તકરાર થઇ હતી. તકરારે ઉગ્રરૂપ ધારણ કરતાં ઉશ્કેરાઇ ગયેલા અલતાફ કાસુભાઇ મેમણ, મહમદ અલ્તાફભાઇ મેમણ, મહમદ અબ્રાર અલ્તાફભાઇ મેમણે તેમના પર હુમલો કરીને ગડદા પાટુનો મારમાર્યો હતો. ત્યાર પછી તેમના માથાના ભાગે ધાર્યુ મારતા હોબાળો મચી ગયો હતો. જેમાં ઇલીયાસભાઇએ ત્રણે શખ્સો વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. જ્યારે સામા પક્ષે અસલમભાઇ કાસમભાઇ મેમણે અગાઉના વેપાર બાબતે અદાવત રાખી મેમણ આસીફ કરીમભાઇ મેમણ, ઇકબાલ કરીમભાઇ મેમણ, સોયેબ આરીફભાઇ મેમણ, કરીમ અબ્દુલભાઇ મેમણ, રફીક ગફારભાઇ તમામ રહે.કલોલએ તેમના ભાઇના ગ્રીન વેલી સોસાયટીના મકાન પર આવી મકાનની બારીઓના કાચ તેમજ બે બાઇક બે એક્ટીવા તેમજ કાર સહિતના વાહનોના કાચ તોડી નાંખતા સોસાયટીમાં અફડાતફડી મચી ગઇ હતી. પોલીસે બન્ને પક્ષની ફરીયાદ લઇ આઠ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ અંગે બન્ને જૂથોની પૂછપરછ કરવામાં આવી છે અને તેઓની સામે ગુનો નોંધવો તે અંગે જાણ કરાશે.

પોલીસે બંને પક્ષે ફરિયાદ લઇને 8 શખ્સ સામે ગુનો દાખલ કર્યો

અન્ય સમાચારો પણ છે...