જિલ્લામાં કુપોષણનો શિકાર બનેલા બાળકોની સંખ્યા 3, 648 પર પહોંચી
ગાંધીનગર | વિકાસની વાતો વચ્ચે ગાંધીનગર જિલ્લામાં કુપોષણનો શિકાર બનેલા બાળકોની સંખ્યા 3, 648 નોંધાઇ છે. તેમાં અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 532 અને ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 3116 હોવાનું માણસાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલના પ્રશન્ના જવાબમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રી દ્વારા વિધાનસભા પ્રશ્નોત્તરીમાં જણાવવામાં આવ્યું છે. આ સ્થિતિ નિવારવા માટે સરકાર તરફથી લેવામાં આવી રહેલા પગલા સંબંધમાં પણ વિસ્તારથી જણાવવામાં આવ્યું છે.
આંગણવાડીના 144 કેન્દ્ર ભાડાના મકાન કે અન્યત્ર ચાલી રહ્યાં છે
ત્યારે બીજી બાજુ જિલ્લામાં ગાંધીનગર તાલુકામાં 328, દહેગામમાં 260, કલોલમાં 305 અને માણસા તાલુકામાં 175 મળીને 1088 આંગણવાડી ચલાવાય છે. તેમાંથી 144 આંગણવાડી હજુ પણ એવી છે, જે ભાડાના મકાનમાં ચાલે છે. તેમ જણાવતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે કે 56 આંગણવાડી માટે મકાન બાંધવામાં આવ્યા છે અને બાકીના જમીન ઉપલબ્ધ થયે મનરેગા સહિત યોજના અંતર્ગત બાંધવામાં આવશે.
ગાંધીનગર જિલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના કિસ્સામાં છેલ્લા બે વર્ષ દરમિયાન સરકારી કે ગ્રાન્ટેડ શાળા ખોલવા એકપણ મંજુરી આપવામાં આવી નથી. પરંતુ 23 માધ્યમિક અને 15 ઉચ્ચત્તર માધ્યમિક મળીને 38 સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ ખોલવાની મંજુરી અપાયાનું શિક્ષણ મંત્રીએ કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે. જિલ્લામાં હાલની સ્થિતિએ સરકારી શાળાની સંખ્યા માત્ર 9 છે અને ખાનગી ગ્રાન્ટેડ શાળાની સંખ્યા 311 છે. જ્યારે સેલ્ફ ફાયનાન્સ શાળાની સંખ્યા 187 હોવાનું વધુમાં જણાવ્યું છે. જ્યારે પ્રાથમિક શાળાઓ મુદ્દે માણસાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલના પ્રશ્ના જવાબમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં માત્ર સેલ્ફ ફાયનાન્સની 84 શાળાને મંજુરી અપાઇ છે. આ સાથે ખાનગી પ્રાથમિક શાળાની સંખ્યા 335 થઇ છે. જ્યારે સરકારીની સંખ્યા 592 અને ગ્રાન્ટેડની સંખ્યા 39 છે.
જમીન ન હોવાથી શાળામાં રમતના મેદાન નહીં બને
જિલ્લામાં 156 સરકારી અને 27 ખાનગી પ્રાથમિક શાળામાં મેદાન નથી જ્યારે ખાનગી 23 માધ્યમિક શાળમાં પણ મેદાન નથી. આ માહિતી કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરના પ્રશ્નના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં આ પૈકીની કોઇ શાળામાં મેદાન આપવાની સુવિધા થઇ નથી અને જમીન ઉપલબ્ધ ન હોવાથી થશે નહીં.
જિલ્લા પંચાયતમાં 126 જગ્યાઓ ખાલી પડી છે
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં વિવિધ સંવર્ગની મંજુર થયેલી 441ની સામે 126 જગ્યાઓ ખાલી પડી હોવાનું પંચાયત મંત્રીએ વિધાનસભા પ્રશ્નોત્તરીમાં ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઇ ગોહિલના પ્રશ્નના જવાબમાં જણાવ્યું છે. તેમાં વર્ગ 2ની 5, વર્ગ 3ની 114 અને વર્ગ 4ની 7 જગ્યાઓ ખાલી હોવાનું જણાવાયું છે.