• Gujarati News
  • જિલ્લામાં મોઘો ઓળઘોળ: 3 થી 7 ઇંચ વરસાદ

જિલ્લામાં મોઘો ઓળઘોળ: 3 થી 7 ઇંચ વરસાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરજિલ્લામાં મેઘરાજાએ શનિવારે રાતથી ખરો મુકામ કરીને આમ આદમી તથા જગતના તાતને ખુશ કરી દીધા છે. દહેગામમાં મેઘાએ તોફાની ઇનીંગ રમતાં વરસાદની રમઝટ બોલી હતી. આકાશમાં ઘેરાયેલા વાદળો ધોધમાર વરસી પડયાના પગલે 5.50 ઇંચ વરસાદથી પાટનગર પણ પાણી પાણી થઇ ગયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. સાથે રવિવારે સાંજે 6 કલાકે પુરા થતાં 24 કલાક દરમિયાન દહેગામ તાલુકામાં 7 ઇંચ વરસાદ પડયો છે. જ્યારે ગાંધીનગરમાં 3 ઇંચ, માણસામાં 4 ઇંચ અને કલોલ તાલુકામાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. મેઘરાજાની ધબધબાટીના પગલે જિલ્લાનો મોસમનો કુલ વરસાદ 10 ઇંચને પાર થઇ ગયો છે. રાત્રે પવનના કારણે કેટલાક સ્થળોએ વૃક્ષોના ડાળા તૂટી પડયા હતાં.

પાટનગરમાં શનિવારે દિવસે વિરામ બાદ વરસાદ રાત્રે 8.30 વાગ્યાના અરસામાં ધોધમાર તુટી પડયો હતો. ગાંધીનગર જિલ્લાના ચારે તાલુકામાં ક્યારેક ઝરમરીયા છાંટા અને ઝાપટા તથા ઘનઘોર વાદળો વચ્ચે આખી રાત વરસાદી માહોલ રહ્યો હતો. પરંતુ રવિવારે તો તડકો નીકળ્યો હતો. કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું અને વાદળો વરસતાં રહ્યા હતાં.

અવાર નવાર આકાશમાં ઘેરાઇ આવતાં વાદળોએ ધૂંવાધાર વરસાદનું ચિત્ર રચ્યું હતું. પરંતુ ગાંધીનગર શહેરમાં તેમ થયું હતું. જો કે દહેગામ તાલુકામાં સૌથી વધુ મેઘ મહેરના પગલે ચો તરફ પાણી ભરાઇ ગયા હતાં.

સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સુત્રોએ આપેલી માહિતી મુજબ રવિવારે સાંજ સુધીમાં ગાંધીનગર શહેરમાં 5.50 ઇંચ સાથે મોસમનો કુલ વરસાદ 10 ઇંચ પર પહોંચી ગયો હતો. સતત વરસાદી માહોલના કારણે વસાહતીઓને બફારાથી રાહત મળી હતી પણ પંખા તો ચલાવવા પડયા હતાં. ગાંધીનગરના બજારોમાં ઠેર ઠેર કાદવ કીચડ થઇ ગયા હતાં. સેકટર-21 અને 24ની શાક માર્કેટમાં તો પગ મૂકાય નહીં તેવી સ્થિતિ હતી.

દહેગામમાં 150 થી વધુ લોકોનું સ્થળાંતર

દહેગામશહેરમાં ગઇ મોડી રાતથી 24 કલાક સુધીમાં સાત ઇંચ પાણી વરસી જતા શહેરના નીચાણવાળા શ્રમજીવી વિસ્તારો નાંદોલ રોડ પરના સરાણીયાવાસ ,ખજૂરી તલાવડી,તેમજ ગાંધીનગર રોડ પર આવેલ દોગલ તલાવડી વિસ્તારના મકાનોમાં પાણી પ્રવેશવાની શક્યતાઓને લઇ તેમજ કેટલાક મકાનોમાં પાણી ઘુસવાની શરૂઆતના કારણે દહેગામ મામલતદાર વી.એલ.દેસાઇ તેમજ નગર પાલિકા દ્વારા 70 જેટલા પરિવારોના 150થી વધુ લોકોને મ્યુનિસિપલ હાઇસ્કુલ તેમજ નાંદોલ રોડ પર આવેલ પ્રજાપતિ સમાજના હોલ ખાતેના સલામત સ્થળે સ્થળાતર કરાયા હતા.

ગાંધીનગરમાં ઇંચ જેટલા વરસાદથી પથિકા સર્કલ પાસે મેદાનમાં મેળા તથા ઝુંપડાઓની આસપાસ પાણી ભરાઇ ગયા હતા. જ્યારે દહેગામમાં પણ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.} જગમાલસોલંકી, શરીફ શેખ

મેઘમહેર|ગાંધીનગર 24 કલાકમાં 5.50 ઇંચ , દહેગામમાં 7 ઇંચ, માણસામાં 4 અને કલોલમાં 2.5 ઇંચ વરસાદ થતા ધરતીપુત્રો ગેલમા