જિલ્લામાં તાલુકા પંચાયત, માણસા પાલિકા ચૂંટણીની કામગીરી શરૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર | વિધાનસભાની ચૂંટણી પૂરી થઇ છે, ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરી ચાલુ થઇ ગઇ છે. હવે જિલ્લામાં ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા નગરપાલિકાની ચૂંટણીના પડઘમ સંભળાઇ રહ્યા છે. ભાજપે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ આગામી બે દિવસમાં કામગીરી શરૂ કરશે. તાલુકા પંચાયત અને નગરપાલિકામાં વોર્ડ પ્રમાણે નિરીક્ષકોની નિમણૂંક કરવામા આવી છે તેમ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કહ્યુ હતુ.

ગાંધીનગર તા. પ.,માણસા પાલિકામાં નિરીક્ષકોની નિમણૂંક કરાઈ
જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી તાલુકાં પંચાયત અને માણસા નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને કામગીરી હાથ ધરશે. જેમાં બંને સ્થાનિક ચૂંટણીમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે અને યોગ્ય ઉમેદવારોની નિમણૂંક કામગીરી કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહે કહ્યુ કે, બંને સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ ફૂંકી ફૂંકીને કામગીરી કરશે. માણસા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 10 સભ્યો ભાજપમાં ભળી ગયા હતા, તે પ્રકારની નોબત પુન: ના આવે તેનુ ધ્યાન રાખવામાં આવશે.

ગાંધીનગર તાલુકા અને માણસા બંને ચૂંટણીમાં વોર્ડ નિરીક્ષકોની નિમણૂંક કરી હતી. જેમાં ઉલટફેર કામગીરી આપવામા આવી છે.

માણસાના નેતાઓને ગાંધીનગર અને ગાધીનગરમાં દહેગામ કે કલોલના નેતાઓને નિરીક્ષકની જવાબદારી આપવામાં આવી છે. જે કામગીરીમાં શરૂ કરવામાં આવશે. યોગ્ય, યુવા અને શિક્ષિત ઉમેદવારોને પ્રાધાન્ય આપવામા આવશે. ભાજપ પાસે રહેલી ગાંધીનગર તાલુકા પંચાયત અને માણસા નગરપાલિકા કોંગ્રેસના પંજામાં લાવવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કોંગ્રેસની કારોબારી મળી
માણસા નગરપાલિકાની ચૂંટણી માટે પેથાપુર, દહેગામ, ગાંધીનગર અને કલોલ શહેરમાંથી માણસા નગરપાલિકાના વોર્ડ દીઠ બે નિરિક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ગાંધીનગર તાલુકા પંચાયતની 36 બેઠકો માટે કલોલ, માણસા, દહેગામ તાલુકામાંથી તાલુકા પંચાયતની બેઠક દીઠ એક નિરિક્ષકની નિમણૂક કરવામાં આવી છે. જેઓની આજે ગુરૂવારે એક બેઠક યોજી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...