તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસ દ્વારા જિલ્લાનાં નગરોમાં બાઇક રેલી યોજાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્વારા રૂ. 500 તથા 1000ની નોટો બંધ કર્યા બાદ બેન્કો પર લાઇનો તથા કેશ ખુટી પડવાનાં કારણે નિર્માણ થયેલી હાલાકીને લઇને કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાનાં પ્રયાસ થઇ રહ્યા છે. ત્યારે શુક્રવારે રસ્તારોકો આંદોલન બાદ જન આક્રોશ સપ્તાહ અંતર્ગત શનિવારે ગાંધીનગર જિલ્લા કોગ્રેસ તથા શહેર કોગ્રેસ દ્વારા ગાંધીનગર શહેર, માણસા, કલોલ તથા દહેગામમાં બાઇક રેલીનું સફળ આયોજન કરાયુ હતુ. જેમાં સ્થાનિક કોગ્રેસ આગેવાનો તથા કાર્યકરોની સાથે રેલીમાં ધારાસભ્યો પણ જોડાયા હતા. જિલ્લામાં 300 જેટલા બાઇક સાથે 500થી વધુ કાર્યકરો રેલીમાં યોજાયા હતા.

ભ્રષ્ટાચાર તથા કાળા નાણાને ડામવા વડાપ્રધાન દ્વારા રૂ. 500 તથા 1000ની નોટો રદ કરવાની જાહેરાત બાદ વિરોધ પક્ષો કયા મોઢે વિરોધ કરવો તે શોધી રહ્યા હતા. કારણ કે નોટબંધીનો સિધો વિરોધ કરે તો નાગરીકોમાં પોતાનું કાળુનાણુ બચાવવા વિરોધ કરી રહ્યાની છાપ ઉભી થાય તેમ હતી. પરંતુ કેન્દ્ર સરકારનાં નિર્ણય બાદ બેન્કો પર લાઇનો, લોકોને પૈસાની અગવડ તથા બેન્કોમાં પૈસા ખુટી જવાની જે અવ્યવસ્થાની સ્થિતી નિર્માણ થઇ તેનાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે. વિરોધ પક્ષોને પણ વિરોધ માટે મહત્વનો મુદ્દો મળી ગયો છે. કોગ્રેસ દ્વારા તા 28મીએ ભારત બંધનુ એલાન આપીને હાલ ‘જનઆક્રોશ સપ્તાહ’ ઉજવી વિવિધ રીતે વિરોધ પ્રદર્શીત કરવામાં આવી રહ્યો છે. શુક્રવારે રેલ-રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યુ હતુ. જયારે શનિવારે ગાંધીનગર શહેર તથા જિલ્લા કોંગ્રેસ દ્વારા સરકારનાં નિર્ણય બાદ થયેલી હાલાકીનાં વિરોધમાં બાઇક રેલી યોજવામાં આવી હતી.

ગાંધીનગર જિલ્લામાં બાઇક રેલીનાં કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર શહેર, માણસા, કલોલ તથા દહેગામમાં રેલીઓ કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર શહેરમાં સવારે 10 વાગ્યે સેકટર 22 સ્થિત કોંગ્રેસ કાર્યલયથી રેલી નિકળીને ઘ-5, ઘ-0,ગ-0, ગ-7 થઇને ઘ-5 પરત ફરી હતી. જેમાં કોગ્રેસનાં પ્રદેશ પ્રવક્તા નિશીત વ્યાસ, શહેર કોગ્રેસ પ્રમુખ ડો કૌશીક પટેલ, મુકેશ પટેલ સહિતનાં આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. જયારે કલોલમાં ધારાસભ્ય બળદેવજી ઠાકોર, માણસામાં ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી તથા દહેગામમાં ધારાસભ્ય કામિનીબા રાઠોડની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં બાઇક રેલી યોજાઇ હતી. કોગ્રેસનાં સુત્રોનાં જણાવ્યાનુંસાર જિલ્લાનાં ચારેય નગરોમાં 300થી વધુ બાઇક સાથે 500થી વધુ કાર્યકરોએ ભાગ લીધો હતો.

દહેગામમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં બાઈક રેલી યોજાઈ હતી. જેમાં ધારાસભ્ય સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.

ગાંધીનગરમાં જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા નોટબંધીના વિરોધમાં શનિવારે બાઈક રેલી યોજાઈ હતી -કલ્પેશભટ્ટ

માણસા શહેર અને ગ્રામ્યમાં તાલુકા કોંગ્રેસે નોટબંધી મુદ્દે બાઈક રેલી યોજી હતી. જે વિવિધ વિસ્તારમાં ફરી હતી. - હરિશ્ચંદ્રસિંહરાઓલ

જિલ્લાભરમાં 300થી વધુ બાઇક સાથે 500થી વધુ કાર્યકરોએ ભાગ લીધો

અન્ય સમાચારો પણ છે...