‘અગલે બરસ તું જલદી આ’.. શ્રીજીને વિદાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઘર,સોસાયટી અને સેકટર્સ છેલ્લાં દિવસે અંતિમ પુજા અને વિસર્જનનાં કાર્યક્રમોના પગલે નગર ગણેશમય બન્યું હતું. ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ભગવાનની પૂજા-અર્ચના બાદ જિલ્લાના ગાંધીનગર, કલોલ, માણસા અને દહેગામ સહિતના વિસ્તારોમાં ગુરુવારે વાજતે, ગાજતે શ્રીજીને જલ વિદાય અપાઇ હતી. સાબરમતી નદીના પટ્ટ અને ઇન્દ્રોડા સ્થિત મનપાના પોંડમાં ભાવિકોએ શ્રીજીનું વિસર્જન કર્યુ હતું. શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી વાહનોમાં બેસાડીને ઢોલ અને ડીજેના તાલે ભગવાનને વિદાય આપવામાં આવી હતી.

સેકટર 6 સાર્વજનિક ગણેશોત્સવમાં યુવક મંડળ દ્વારા દસ દિવસ રાત્રીના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ હતું. સેકટર 6 સાર્વજનિક મહોત્સવ યુવક મંડળના આગેવાન સંદીપભાઇ જોષીએ જણાવ્યુ છે કે અમે દર વર્ષે ગણેશજીની પીઓપીની પ્રતિમાનું સ્થાપન કરીએ છીએ. પરંતુ દિવ્યભાસ્કરના માટીના ગણેશજીના અભિયાન અંગે જાણીને વર્ષે માટીના ગણેશજીનું સ્થાપન કર્યુ હતું. પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિમાં કેમિકલ ઘાતક રંગોથી પાણીમાં પ્રદૂષણ પેદા થાય છે. જેથી તેનું પુણ્ય મળતું નથી. જો ગણેશજીની માટીની મૂર્તિની સ્થાપના કરીએ તો ભગવાન ખુશ થાય છે અને તેનું ફળ પણ મળે છે. તેથી અમે વર્ષે માટીના ગણેશજીની સ્થાપના કરી હતી અને તેનું વિસર્જન પણ સ્થળ પર કરીને પર્યાવરણના રક્ષણ માટે પ્રયાસ કર્યો છે.

દહેગામ: દહેગામ શહેરમાં ગણેશોત્સવ અંતર્ગત બારોટવાડા, અમીનવાડા, ચંદનવાસ, રેલ્વે સ્ટેશન, ગજાનન સર્વોદય ટ્રસ્ટ, સરદાર શોપિંગ સેન્ટર સહિતના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. ગણેશ વિસર્જનના દિવસો સવારથી જુદા જુદા વિસ્તારના શ્રધ્ધાળુઓ ઢોલ, ત્રાસા, બેન્ડ અને ડી.જે.ની સુરાવલી અને અબિલ ગુલાલની છોળો સાથે દુંદાળા દેવને વિસર્જીત કરવા માટે વરઘોડા સ્વરૂપે ગણપતિ બાપા મોરિયા પૂઢચ્યા વર્ષિ લવકર્યા ના નારા સાથે નીકળ્યા હતા. શહેરના પાલૈયા ખાતે નીલકંઠ મહાદેવ મંદિર પાસેના તળાવમાં દિવસભર ભગવાન ગણેશજીની પ્રતિમાનું શ્રધ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યુ હતું. શહેરના રસ્તાઓ પણ દિવસભર ગણેશમય જોવા મળ્યા હતા. કેટલાક લોકોએ દહેગામથી દૂર આવેલ કેદારેશ્વર ખાતેથી પસાર થતી વાત્રક નદીમાં શ્રીજીનું વિસર્જન કર્યુ હતું. ગણેશ વિસર્જન કરતી વેળા અસંખ્ય શ્રધ્ધાળુઓની આંખો ભરાઇ આવી હતી.

ગાંધીનગરમાં ગણેશોત્સવના અંતિમ દિવસે ભગવાન ગણેશજીનું વિસર્જન કરાયુ હતું. ઢોલ-નગારા અને ડીજેના નાદ સાથે ભગવાને અશ્રુભીની આંખે જલવિદાય આપવામાં આવી હતી. સેકટર 6 યુવક મંડળના યુવાનોએ વર્ષે માટીના શ્રીજીની સ્થાપના કરી હતી. દસ દિવસ ભગવાનની પૂજા કર્યા બાદ મંદિરના પ્રાંગણમાં શ્રીજીને જળ વિદાય આપવામાં આવી હતી .આ ઉપરાંત જિલ્લાના કલોલ મામસા અને દહેગામ શહેરના જુદા જુદા વિસ્તારોમાં બિરાજમાન શ્રીજીનું શોભાયાત્રા સાથે વાજતે ગાજતે તળાવમાં વિસર્જન કરાયુ.તસ્વીર કલ્પેશ ભટ્ટ, ધર્મેન્દ્ર જોષી,શરીફશેખ

વિસર્જન|દસ દિવસની સ્થાપના બાદ ‘ગણપતિ બાપ્પા મોરિયાના નાદ’ સાથે ધામધુમથી શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી

અન્ય સમાચારો પણ છે...