તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સઇજ ડબલ મર્ડર: 7 ટીમ રચાઇ, 50 શકમંદની પૂછપરછ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહંતને સમાધિ અપાયા બાદ નવા મહંતની નિમણૂક

કલોલનાસઇજ ગામના સિધ્ધનાથ મંદિરમાં મહંત દિપીપગીરી ગોસ્વામી અને પૂજારી ઇશ્વરદાનની તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી કરાયેલી નિર્મમ હત્યામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી લઇ ડબલ મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિવિધ 7 તપાસ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. તો કેસમાં 50થી વધુ શકમંદોની પૂછરપછ કરાઇ છે.

મંદિરના મહંત અને પુજારીની ઘાતકી હત્યામાં મંદિરમાંથી કાઢી મુકાયેલા પરપ્રાંતના દિપક અને પ્રદિપે હત્યાને અંજામ આપ્યો હોવાની પાકી શંકા છે.આ ઉપરાંત તાલુકા પોલીસે 50થી વધુ શકમંદોની અટકાયત કરી તેમની ઘનિષ્ઠ પૂછપરછ આદરી હતી. પરંતુ હજુ સુધી હત્યારાઓ સુધી લઇ જતી કોઇ કડી પોલીસના હાથમાં આવી નથી. મંદિરની અંદરના રૂમનુ તાળુ ખોલી અંદર ઘુસેલા હત્યારાઓએ કુહાડી, કોદાળી અને દાતરડા જેવા હથિયારોના ઘા જીંકી ઠંડા કલેજે બે લાશો ઢાળી દઇ મંદિરની કાર લઇને રફૂચક્કર થઇ ગયા હોવાની ઘટનાએ સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર સાથે સનસનાટી મચાવી મૂકી છે. પોલીસ માટે પડકારસમાન ઘટનાને અંજામ આપનારા હત્યારાઓ કઇ તરફથી નાસી છૂટ્યા હતાં. તે જાણવા પોલીસે ફરીથી ડોગસ્વોર્ડની મદદ લીધી હતી. તેમાં કેટલીક કડી મળી છે. તેના આધારે પોલીસે તે તરફ તપાસના ચક્રો ગતિમાન કર્યા હોવાનું જાણવા મળે છે.

કલોલ ડીવાયએસપી અતુલ બારોટે જણાવ્યું કે હત્યાના બનાવ બાદ નાસી છૂટેલા દિપક અને પ્રદિપ પ્રાથમિક તપાસમાં સંકાના દાયરામાં આવી ગયા છે. તેમને ઝડપી લેવા માટે ખુબ ઝડપથી ચક્રો ગતિમાન કરાયા છે. તે માટે એક ટીમને એમ.પીમાં રવાના કરાઇ છે અને બીજી ટીમને આજે રાત્રે રવાના કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે હત્યાને અંજામ આપનારા શખ્સો લાંબો સમય પોલીસને હાથતાળી આપી શકે તેમ નથી.

જ્યારે કલોલ તાલુકા પીઆઇ આર.આર ચૌધરીએ જણાવ્યું કે 50 શકમંદોની ખુબ જીણવટભરી પૂછપરછ હાથ ધરી છે. તેના ઉપરથી અગાઉ મંદિરમાં રહેતા અને નાસી છૂટેલા પરપ્રાંતના 2 શખ્સો ઉપર શંકા ઘેરી બની છે.

કારનો પત્તો મેળવવા ચેકપોસ્ટ પર સ્ટાફ તહેનાત

મહંતની કારનો હજુ કોઇ પત્તો મળ્યો નથી. જેથી પોલીસે કારને લોકેટ કરવા માટે ટેકનિકલ ટીમ બનાવાઇ છે. તેમજ રાજ્યની તમામ ચેકપોસ્ટ ઉપર તાકીદ કરવામાં આવી છે. ત્યાંના સીસી ટીવી ફૂટેજ મેળવી ટેકનિકલ નિષ્ણાંતો દ્વારા તપાસ શરૂ કરાઇ છે. ઉપરાંત એમ.પી અને યુપીમાં પ્રવેશતા હાઇવે ઉપરાંત જેતે રાજ્યની પોલીસને એલર્ટ કરી દેવાઇ છે.

કાર્યવાહી | મંદિરમાંથી કાઢી મૂકેલા પરપ્રાંતના બે યુવકોને પકડવા બે ટીમોને મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં રવાના કરાઇ

અન્ય સમાચારો પણ છે...