તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન: 171ની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકાર દ્વારા રૂ. 500 તથા 1000ની નોટો રદ કરવાનાં નિર્ણય બાદ દેશમાં સર્જાયેલી સ્થિતી તથા લોકોને પડી રહેલી હાલાકીને લઇને કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સપ્તાહ અન્વયે સરકારની વિરોધમાં વિવિધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. ગાંધીનગર શહેર તથા જિલ્લા કોગ્રેસ દ્વારા જે અંતર્ગત શુક્રવારે ગાંધીનગર શહેરમાં રેલ્વે સ્ટેશન, ચિલોડા સર્કલે, પાલજ પાટીયા, દહેગામ શહેર તથા કલોલમાં રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. જો કે કાર્યક્રમની જાહેરાતને લઇને પોલીસ તમામ સ્થળ પર પહેલાથી હાજર હતી અને તમામ સ્થળોએથી મળીને કલોલ અને દહેગામના ધારાસભ્ય સહિત 171 કોંગ્રેસી આગેવાનો કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

ગાંધીનગર કોંગ્રેસ દ્વારા જિલ્લાભરમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતીનાં મહામંત્રી વિષ્ણુભાઇ પટેલે જણાવ્યુ હતુ કે સમગ્ર દેશમાં નોટબંધીથી સર્જાયેલી આર્થિક અંધાધુંધીથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે. કેન્દ્રની ભાજપ સરકારનાં અણધણ નિર્ણયનાં કારણે લોકોને પોતાનાં નાણા માટે દિવસ રાત બેન્કોની લાઇનમાં ગુજારવાની નોબત આવી છે. પ્રજાની અસહ્ય હાલાકીનો કોંગ્રેસ આકરા શબ્દોમાં વિરોધ કરે છે.

પ્રજાની પિડાને ઉજાગર કરવા ગુજરાત કોગ્રેસ દ્વારા ‘જનઆક્રોશ સપ્તાહ’ હેઠળ વિવિધ કાર્યકર્મો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે શુક્રવારે ગાંધીનગર, કલોલ, દહેગામ તથા ચિલોડામાં રસ્તા રોકો કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. જેમાં ચિલોડામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સુર્યસિંહ ડાભી, જશુભા રાણા, ડો સી જે ચાવડા, ડો હિમાંશુ પટેલ, બાબુજી ઠાકોર સહિતનાં આગેવાનો, કલોલમાં ધારાસભ્ય બાબુજી ઠાકોર, માણસા ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી, જી.પં.પ્રમુખ રામાજી ઠાકોર સહિતનાં આગેવાનો તથા સ્થાનીક કાર્યકરો, દહેગામમાં ધારાસભ્ય કામિનીબા રાઠોડ તથા બાબુસિંહ ઝાલા સહિતનાં આગેવાનો સાથે સ્થાનિક કાર્યકરો જોડાયા હતા.

પોલીસને ચકમો આપી પાલજ પાટિયે ટાયર સળગાવ્યા

કોંગ્રેસે નેશનલ હાઇ-વે નં 8 પર રસ્તા રોકો કાર્યક્રમ કરવા ચિલોડા સર્કલ પાસે કાર્યકરોને એકઠા થવાનું જણાવ્યુ હતુ. જેના પગલે પોલીસ પણ ગોઠવાઇ ગઇ હતી. કોંગ્રેસી આગેવાનો ત્યાંથી આગળ વધીને ચિલોડા સર્કલે આવ્યા હતા. દરમિયાન કેટલાક કાર્યકરો પોલીસને ચકમો આપીને પાલજ પાટિયા-પ્રાંતિયા પાસે પહોચી ટાયરો સળગાવીને ચક્કાજામ કરી દીધો હતો. જેની જાણ પોલીસને થતા પોલીસે ત્યાંથી પણ અટકાયત કરી હતી.

માણસામાં આજે કોગ્રેસ દ્વારા બાઇક રેલી યોજાશે

કોગ્રેસદ્રારા જન આક્રોશ સપ્તાહ અંતર્ગત શનિવારે માણસામાં બાઇક અવેરનેશ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. સ્થાનિક કોગ્રેસી આગેવાનોનાં જણાવ્યાનુંસાર સવારે 9 વાગ્યે કોગ્રેસ કાર્યાલયથી બેનરો તથા સુત્રોચ્ચાર સાથે રેલી નિકળીને સમગ્ર શહેરમાં ફરશે.

પોલીસે કયાંથી કેટલા આગેવાનોની ધરપકડ કરી ?

કોંગ્રેસનાંકાયક્રમને લઇને ગોઠવાયેલી પોલીસે રસ્તા રોકવાનો પ્રયાસ કરનારા કાર્યકરોની અટકાયત કરી હતી. જેમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશન પરથી 33, ચિલોડા તથા પાલજથી 13, દહેગામમાં 50 તથા કલોલ સિંદબાદ હોટેલ પાસેથી 75 આગેવાનોની અટકાયત સાથે કુલ 171 લોકોની અટકાયત કરવામાં આવી હતી.

ગાંધીનગર રેલવે સ્ટેશને ચક્કાજામ કરવા જઇ રહેલા કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે ચીલોડા સર્કલે ચક્કાજામ કરાયું હતું.-કલ્પેશ ભટ્ટ

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ સિંદબાદ હાઇવે પર ચક્કાજામ કર્યુ હતુ ધર્મેન્દ્રજોષી

નોટબંધીના વિરોધમાં દહેગામમાં કોંગ્રેસના ધારાસભ્ય કામિનીબેનની આગેવાની હેઠળ ચક્કાજામ કરવામાં આવ્યું હતું.

દહેગામ, કલોલના ધારાસભ્યની અટકાયત: ગાંધીનગરમાં રેલ રોકવાનો નિષ્ફળ પ્રયાસ

સરકાર દ્વારા 500-1000ની નોટો રદ કરાયા બાદ સર્જાયેલી અાર્થિક અંધાધુધી અને ભાજપના અણધડ નિર્ણયનો કોંગ્રેસે ઠેર ઠેર વિરોધ કર્યો

અન્ય સમાચારો પણ છે...