મુસ્લિમ બિરાદરોએ ઉત્સાહ પૂર્ણ માહોલમાં ઇદની ઉજવણી કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુસ્લિમ ધર્મના પવિત્ર પર્વ ઇદ ઉલફિત્રની ગાંધીનગર સહિત જિલ્લાના દહેગામ, કલોલ અને માણસા શહેરમાં ધામધૂમથી હર્ષોલ્લાભર્યા વાતાવરણમાં ઇદની ઉજવણી કરાઇ હતી. મસ્જીદોમાં સવારે અલ્લાની બંદગી કરવામાં આવી હતી. જ્યારે મુસ્લિમ બિરાદરોએ એક બીજાના ઘરે જઇને શુભેચ્છાઓ પાઠવી મીઠાઇ વહેચી હતી. રમઝાન મહિનાની ઇબાદત પછીના ઇદ ઉલ ફિત્રનો ચાંદ રવિવારે દેખાયાની જાહેરાત થતા મુસ્લિમ વિસ્તારોમાં ઇદનો તહેવાર મનાવવા ચહલ પહલ થઇ હતી. નમાઝ પઢવા માટે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યા માં ઉમટી પડતા બે વખત નમાઝ નું આયોજન કરાયું હતું. સવારથી મુસ્લિમ બિરાદરો ઇદની ઉજવણીમાં મસ્ત બન્યા હતા. મસ્જિદમાં નમાજ અદા કરી હતી. માણસા અને ઇટાદરામાં સ્થાનિક ધારાસભ્ય અમિત ચૌધરીએ મુસ્લિમ બિરાદરોની સાથે ઇદની ઉજવણી કરી હતી અને મૌલવીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. જ્યારે કલોલના ઇદગાહમાં મુસ્લિમ બિરાદરોએ નમાજ અદા કરી હતી. હિંદુ મિત્રોએ સોશિયલ મીડીયા દ્વારા શુભેચ્છાઓનો વરસાદ કર્યો હતો. બહિયલ, કરોલી, કડજોદરા, ધારીસણા અને બિલમણા જેવા ગામો પણ ઇદ ઉલફિત્રની હર્ષભેર ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...