• Gujarati News
  • કાલોલના શંકરપુરામાં મકાનની દીવાલ પડતાં ત્રણ બાળકોનાં મોત

કાલોલના શંકરપુરામાં મકાનની દીવાલ પડતાં ત્રણ બાળકોનાં મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કાલોલતાલુકાના મધવાસ ગામે શંકરપુરામાં અચાનક વાવાઝોડામાં મકાનની દીવાલ ધરાશાયી થતા ત્રણ બાળકોના કમકમાટી ભર્યા કરૂણ મોત નિપજ્યા હતા. બનાવને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી હતી. બીજી તરફ ભારે જહેમત બાદ ત્રણેવની લાશને બહાર કાઢવામાં આવી હતી. ઉપરાંત એક બાળકને ઇજા પહોંચતા સારવાર આપવામાં આવી હતી. બનાવની જાણ થતા તાલુકા વિકાસ અધિકારી, પોલીસ સહિતનાઓ દોડી આવ્યા હતો

કાલોલ તાલુકાના મધવાસના શંકરપુરા ગામે ગત તા. 30 જુલાઇના રોજ ગામના વિક્રમનાના ચિકલીગરના મકાન પાસે સાંજના સમયે બાળકો રમતા હતા. જેમાં કિશન ભરતભાઇ ચિકલીગર (ઉવ.3), અક્ષય કિરણભાઇ ચિકલીગર (ઉવ.7) તથા વનરાજ દિલીપભાઇ ચિકલીગર (ઉવ.6) અને પિયુશ અર્જુનભાઇ ચિકલીગરનો સમાવેશ થાય છે. દરમિયાન અચાનક આવેલા વાવાઝોડાની સાથે જોરદાર પવન ચાલતો હતો. ત્યારે અચાનક દિવાલ પાસે રમી રહેલા બાળકો ઉપર દિવાલ પડી હતી. જેના કારણે તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં કિશન, અક્ષય તથા વનરાજના ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યા હતા.

બનાવને પગલે ભારે અફરાતફરી મચી ગઇ હતી. જ્યારે પિયુષને ગંભીર ઇજાઓ પહોચી હતી. તેને હાલોલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતા. એક સાથે ત્રણ બાળકોના મોત નિપજતા ભારે અરાજકતા ફેલાઇ હતી. તેમજ ખોબલા જેવડા ગામમાં ત્રણ બાળકોના મોતની ઘટનાથી અરેરાંટી ફેલાઇ ગઇ હતી. મોતને ભેટેલા ત્રણેવ બાળકો એક કુંટુબના હોવાનું સપાટી ઉપર આવ્યુ છે. બનાવની જાણ થતા મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડ્યા હતા. કાલોલ તાલુકા વિકાસ અધિકારી કે.એન.ડામોર તેમજ કાલોલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે અકસ્માતે મોત અન્વયેુ નોંધ કરી ત્રણેવ બાળકોના રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ પોલીસે પીએમ કરી તપાસ આરંભી છે.

કાલોલ તાલુકાના મધવાસ પાસેના શંકરપુરામાં મકાનની દીવાલ ધરાશાયી થતાં ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા. } મકસુદમલીક

જહેમત બાદ 3ની લાશને બહાર કાઢી : બાળકને ઇજા થતા સારવાર અપાઇ