હાલોલ જનરલ મોટર્સના હજાર કામદારના વિવાદમાં સમાધાન

Halol - latest halol news 022640

DivyaBhaskar News Network

Oct 30, 2018, 02:26 AM IST
અમદાવાદ | હાલોલના જનરલ મોટર્સના કામદારોના મામલે આખરે સુખદ સમાધાન થતાં તે બાબતે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અગાઉ થયેલા સેટલમેન્ટની યોજનામાં દર્શાવેલા મુસદ્દાઓને આધારે આ સમાધાન થયું છે.

પુના ખાતે નોકરી મેળવવાનું 400 કામદારે સ્વીકાર્યું, વીઆરએસ લેવા ઈચ્છતા કામદારોને એરિયર્સ સહિતના લાભો ચૂકવાશે

હાલોલમાં જનરલ મોટર્સ દ્વારા તેમનું એકમ બંધ કરવામાં આવતા આ મામલે કામદારો તેમજ મેનેજમેન્ટ વચ્ચે વિવાદ ઊભો થયો હતો. જે મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. આખરે કામદારો અને મેનેજમેન્ટ વચ્ચે સુખદ સમાધાન થતાં તેની ફોર્મ્યુલા હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી છે. જેમાં એવું સ્વીકારવામાં આવ્યું છે કે, કામદારો પૈકી જે પણ પુના ખાતેના જનરલ મોટર્સના એકમમાં કામ કરવા ઇચ્છે તેમને ત્યાં બદલી આપવામાં આવશે. તેમજ જે કામદારો વીઆરએસ લેવા ઇચ્છતા હોય તેમને સન્માનજનક રીતે સ્વૈચ્છિક નિવૃત્તિ આપવાની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે.

કંપનીએ 1000 જેટલા કામદારો સાથે સમાધાન કર્યું છે. જેમાં 400 જેટલા કામદારોએ પુના ખાતેના જનરલ મોટર્સના એકમમાં નોકરી મેળવવાનો વિકલ્પ સ્વીકાર્યો છે. ત્યારે તેમને પુના જનરલ મોટર્સના ધોરણો પ્રમાણેનો પગારધોરણ ચૂકવવાની તૈયારી મેનેજમેન્ટે દર્શાવી છે. તો જે કામદારો વીઆરએસ લેવા ઇચ્છે છે તેમને પણ તેમના એરિયર્સ સહિતના લાભો ચૂકવી આપવા મેનેજમેન્ટ દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે. ત્યારે તેને આધારે આ સમાધાનની ફોર્મ્યુલા બંને તરફે મંજૂર થઇ હોવાનું જાણવા મળે છે.

2017માં જનરલ મોટર્સ બંધ થયું

હાલોલ ખાતે 1996માં જનરલ મોટર્સનો પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો હતો. આ પ્લાન્ટ 2017માં બંધ કરવામાં આવ્યો હતો. જેમાં કામ કરતાં એક હજાર કામદારોનું ભાવિ અનિશ્ચિત બન્યું હતું.

X
Halol - latest halol news 022640
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી