પર્વનો ઉત્સાહ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાંબીપ્રતિક્ષા બાદ ગૌરીવ્રત તથા જયાપાર્વતીનો ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થતાં પંચમહાલના શિવજી મંદિરોમાં વહેલી સવારથી નવા વસ્ત્રો સજ્જ બની વ્રતધારી કન્યાઓએ માનીતો ભરથાર મેળવવા શ્રદ્વાભેર પૂજા-અર્ચના કરી હતી. જેના કારણે મંદિરોમાં ભારે ભીડભાડના દ્રશ્યો નિહાળવા મળ્યા હતા.

પોતાનું જીવન સુખમય વિતાવવા મનનો માણીગરને પામવા માટે ગૌરીવ્રત બાળાઓ કરે છે. તે પૂર્વે ગૌરો વાવી પાંચ પાંચ દિવસ મીઠા વગરનું ભોજન લઇ ઉપવાસમાં ઉપયોગી વિવિધ અલુણાઓ આરોગે છે. જેની આતુરતા પુર્વક રાહ જોવાતી હતી. તેવા જયા પાર્વતી વ્રતનો ભક્તિમય વાતાવરણમાં પ્રારંભ થયો હતો. વ્રતની પરંપરા મુજબ વહેલી સવારથી વ્રતધારી બહેનો સાડી, ચણીયાચોળી જેવા નવા પરિધાનમાં સજીધજીને સહેલીઓ સાથે શિવમંદિરોમાં પુજાપા સાથે ઉમટી પડી હતી. વિવિધ મંદિરોમાં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે દીપ, કંકુ-ચોખા જેવી સામગ્રીથી શ્રદ્વાભેર પુજા- અર્ચના કરી ભોલે શંકરને રીઝવ્યા હતા. વ્રતનો પ્રારંભ થતાં મંદિરોમાં વ્રતધારી કન્યાઓની ભીડભાડ વિશેષ નજરે પડતી હતી. ગોધરા શહેરમાં આવેલા અંકલેશ્વર મહાદેવ મંદિર, રાયણવાડી સોસાયટી પાસે, બાવાની મઢી, લાલબાગ ટેકરી સહિતના મંદિરોમાં પણ વ્રતની ઉજવણીનો આરંભ અત્યંત શ્રદ્વાભેર કરવામાં આવ્યો છે. ઉપરાંત પંચમહાલ જિલ્લાના હાલોલ, કાલોલ, શહેરા, તેમજ મહિસાગર જિલ્લાના લુણાવાડા, સંતરામપુર સહિત અન્ય તાલુકાઓમાં બાલિકા અને યુવતીઓ માટે વિશિષ્ટ મહત્વ ધરાવતાં ગૌરીવ્રતના દિને યુવતીઓ વહેલી સવારથી શિવમંદિરે પુજા અર્ચન કરી મહાદેવને રીઝવી રહી છે. જિલ્લાના વિવિધ શિવાલયો વહેલી સવારે પુજન અર્થે આવતી યુવતીઓની હકડેઠેઠ ભીડ જામી હતી.

ગોધરા

ગોધરાના લાલબાગ મંદિરે કુવારીકાઓ શિવજીની પૂજા અર્ચના કરતી નજરે પડે છે. }હેમંત સુથાર

પંચમહાલ-મહિસાગરમાં ગૌરીવ્રતનો ભક્તિમય માહોલમાં પ્રારંભ