• Gujarati News
  • ગોધરામાં ઇકબાલ સ્કૂલ જતો માર્ગ જર્જરિત

ગોધરામાં ઇકબાલ સ્કૂલ જતો માર્ગ જર્જરિત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાનાએલઆઇસી રોડથી ઇકબાલ સ્કુલ જતા માર્ગ પર છેલ્લા ઘણા સમયથી ઉબડખાબડ બન્યો છે. ઉભરાતી ગટરોના કારણે ગંદું પાણી ખાડામાં ભરાઇ રહેતાં પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલીતકે જર્જરિત માર્ગની મરામત કરવામાં આવે તો તેઓને રાહત સાંપડે તેમ છે.

ગોધરાના એલઆઇસી માર્ગ શરૂ થઇ ઇકબાલ સ્કુલ પાસેથી પસાર થઇ સિવિલ હોસ્પિટલ તરફ જતો માર્ગ પાછલા ઘણા સમયથી ખરાબ હાલત છે. જેમાં એક જગ્યાએ ધોવાણ થઇને ખાડાઓ પડી ગયા છે. ખાડાઓના કારણે અહીં અકસ્માત થવાનો ભય રહે છે. તેમજ ઉભરાતી ગટરોના કારણે ખાડાઓમાં ગંદુ પાણી ભરાયેલું રહે છે. જેનાથી રોગચાળો ફાટી નીકળવાની શકયતા વધી ગઇ છે. માર્ગનો ઉપયોગ ખાસ કરીને ઇકબાલ સ્કુલના વિદ્યાર્થીઓ તથા હોસ્પિટલના દર્દીઓ કરે છે. તેમજ 108 એમ્બ્યુલન્સ પણ અહીથી પસાર થાય છે. માટે માર્ગને જેમ બને તેમ જલ્દી દુરસ્ત કરવામાં આવે તેવી ડો.સુજાત વલી તથા સ્થાનિક રહીશો દ્વારા કરવામાં આવી છે. પાછલા બે વર્ષમાં અહીંના રહીશો દ્વારા જર્જરિત માર્ગ અને તેના લીધે થતી ગંદકી બાબતે તંત્રને અસંખ્ય વાર લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે.

સમસ્યા માટે અગાઉ પણ પાલિકા દ્વારા અરજીઓનો નિકાલ કરવામાં આવતાં કલેકટરને રજૂઆત કરવામાં આવેલ છે. કલેકટર દ્વારા નગર પાલિકાને અરજીઓનો નિકાલ કરવા માટે હુકમ કરવામાં આવેલો છે પરંતુ આજદિન સુધી નગર પાલિકા દ્વારા અગાઉની કોઇ પણ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવેલી નથી તથા કોઇપણ કામગીરી પણ કરવામાં આવી નથી. સમસ્યાને ધ્યાનમાં લઇ જરૂરી કામગીરી તત્કાલ ધોરણે હાથ ધરવામાં આવશે એવી આશા સાથે તેઓએ નગર સેવાસદનના મુખ્યઅધિકારી, પ્રમુખ તેમજ જિલ્લા કલેક્ટરને અરજી કરી છે. જે થકી સત્વરે ઉબડખાબડ અને જર્જરિત માર્ગને દુરસ્ત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

ગોધરાના એલઆઇસી રોડથી ઇકબાલ સ્કૂલ જતા માર્ગ પર મોટા ખાડા પડી જતાં લોકોને પરેશાની. /તસવીર હેમંતસુથાર