• Gujarati News
  • લુણાવાડામાં બેરોજગારને નોકરીની લાલચ આપી છેતરનાર 3ની ધરપકડ

લુણાવાડામાં બેરોજગારને નોકરીની લાલચ આપી છેતરનાર 3ની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડામાંમાનવ જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટના નામે નોકરી આપવાની લાલચ આપી બેરોજગાર વ્યક્તિને છેતરી નાણાં ઉઘરાવનાર ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ભોગ બનનારે ફરિયાદ આપતાં પોલીસે ત્રણની ધરપકડ કરી વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

લુણાવાડામાં કેટલાક સમયથી માનવ જાગૃત ચેરિ. ટ્રસ્ટના નામે રજિસ્ટર થયેલી સંસ્થા દ્વારા નોકરી આપવાની પેપરમાં જાહેરાત અપાઇ હતી. જેમાં કેટલાક બેકાર યુવાનો સંસ્થામાં ફોર્મ ભરી નાણાં જમા કરાવતા હતા. દરમિયાન ગોધરાના ઓરવાડાના આશીષ વણઝારાએ ~3500 આપ્યા હતા. તેમજ અન્ય બેકાર યુવાનોને પણ નોકરીની લાલચ આપી હતી. બીજી તરફ રૂપિયા લીધા બાદ પણ ટ્રસ્ટના હોદ્દેદારોએ નોકરી કે નાણાં પરત આપ્યા હતા. જેથી આશીષને છેતરાયાની જાણ થતાં લુણાવાડા પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે આશીષની ફરિયાદથી માનવ જાગૃત ટ્રસ્ટના હોદેદારો શૈલેષ માછી (બ્રાન્ચ મેનેજર,લુણાવાડા), મીહીર પટેલ (પ્રમુખ), દિપક ચૌધરી (મંત્રી) તથા ભારતસિંહ ઝાલા (ખજાનચી) સામે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસે શૈલેષ, મીહીર અને દીપક ચૌધરીની ધરપકડ કરી હતી. તેઓની વધુ તપાસ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

તલસ્પર્શી તપાસ આરંભવામાં આવશે

^લુણાવાડામાં માનવ જાગૃત ચેરિટેબલ ટ્રસ્ટના નામે નોકરીની લાલચ આપી બેરોજગારને છેતરનાર 4 સામે ફરિયાદ નોંધી છે. તપાસ આરંભતાં ઓફિસમાંથી 9 ફોર્મ ભરેલા મળી આવ્યા હતા. તે તરફ ચકાસણી હાથ ધરાશે. >સી.સી.ખટાણા, એલસીબી પીઆઇ