તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યુવા શક્તિ ભારતને મહાસત્તા બનાવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતવિશ્વમાં સહુથી વિપુલ યુવાશક્તિ ધરાવે છે, યુવાનો ખૂબ બુધ્ધિશાળી છે જેને યોગ્ય દિશા અને પીઠબળ આપવાથી ચમત્કારો સર્જી શકાય છે તેવી લાગણી વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતું કે યુવા શક્તિની તાકાત ભારતને મહાસત્તા બનાવશે. યુવાનો માટેના પ્રધાનમંત્રીશ્રીના ડિજીટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ સહિતના આયોજનોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, યુવા શક્તિનો રાષ્ટ્ર ઘડતર માટે સુઆયોજિત વિનિયોગ કરવા ભારત સરકારે અને રાજ્ય સરકારે યુવા વિકાસના અનેકવિધ આયોજનો કર્યા છે. સમાજને તોડવા અને વર્ગ વિગ્રહનું વાતાવરણ પેદા કરવા માટે ઘણાં કારસાઓ થઇ રહ્યા છે પરંતુ રાજ્યની પ્રજા તેનાથી ભોળવાવાની નથી એવો વિશ્વાસ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, વ્યસનમુક્તિની બાબતમાં સરકાર ખૂબ ગંભીર છે, દારૂબંધીની નીતિને ચૂસ્તપણે વરેલી છે અને વ્યસનોના દૂષણને કડકાઇથી ડામી દેવા માટે આગામી દિવસોમાં કાયદાઓને વધુ કડક બનાવવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રીએ પવિત્ર શક્તિપીઠ પાવાગઢથી ઠાકોર સમાજના ભામાશા તરીકે ઓળખાતા રોહિતજી ચંદુજી ઠાકોરના પીઠબળ અને સમાજના સહયોગથી યોજવામાં આવેલી ઠાકોર સમાજ જાગૃતિ અભિયાન રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યુ હતું. ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટ આયોજિત રથયાત્રા ગુજરાતના ગામે ગામ ફરશે અને વ્યસન, વહેમ તેમજ અંધશ્રધ્ધાથી મુક્ત સમાજ રચના તેમજ કન્યા કેળવણી, શિક્ષણ,સમુહ લગ્નોના આયોજન, બેટી બચાવો-બેટી વધાવો, સામાજિક એકતા અને સંગઠનનો સંદેશો આપશે.

મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, વ્યસનો અને કુરીવાજોથી મુક્ત થવાની જાગૃતિ તમામ સમાજો કેળવે, રથયાત્રા દ્વારા તેની પહેલ કરવા માટે ઠાકોર સમાજ અભિનંદનને પાત્ર છે.

મુખ્યમંત્રીએ વ્યસનમુક્તિ, શિક્ષણ, કન્યા કેળવણીને પ્રોત્સાહન તેમજ એકતા અને સંગઠનને ઉત્તેજન જેવા ધ્યેયો માટે રથયાત્રાના, શ્રી રોહિતજી ઠાકોર સહિતના તમામ આયોજકોને બિરદાવ્યા હતા તથા જણાવ્યુ કે, યાત્રા ખરેખર ઘણા સારા કામો માટે નીકળી છે.

મુખ્યમંત્રએ કાર્યક્રમ પૂર્વે પાવાગઢ શક્તિપીઠના અધિષ્ઠાત્રી મહાશક્તિ કાળીકાના ભાવપૂર્વક દર્શન-પૂજન કર્યા હતા અને પહેલીવાર માના દર્શનના મળેલા અવસર માટે પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, રામસિંહ રાઠવા, દેવજીભાઇ ફતેપુરા, ઠાકોર-કોળી વિકાસ નિગમના અધ્યક્ષશ્રી નંદાજી ઠાકોર, પૂર્વ સાંસદ પૂજાજી ઠાકોર, રમણસિંહ સોલંકી સહિતના આગેવાનોએ વ્યસનમુક્તિ, શિક્ષણ, સંગઠન અને અંધશ્રધ્ધા નિવારણ માટે રથયાત્રા યોજવા બદલ રોહિતજી ઠાકોરની સમાજસેવાની ભાવનાને બિરદાવી હતી. શ્રી રોહિતજીએ સહુના સહયોગનો ઋણ સ્વીકાર કર્યો હતો. મહામંડલેશ્વર ભારતી બાપુ અને સંત ખેતીયા બાપાએ શુભ ઇરાદાવાળા યાત્રાને આશીષ પ્રદાન કર્યા હતા. માર્ગ અને મકાન રાજ્યમંત્રીશ્રી જયદ્રથસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ કાર્યક્રમ પુર્વે મહાશક્તિ મહાકાળીના દર્શન-પુજન કરી પ્રસન્નતા વ્યકત કરી

ઠાકોર સમાજના જાગૃતિ અભિયાન રથને મુખ્યમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઠાકોર સમાજના રથને પ્રસ્થાન કરાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...