• Gujarati News
  • ગોઠડાની ક્વોરીએ જતા રસ્તે અવરોધ કરતા 19ની ધરપકડ

ગોઠડાની ક્વોરીએ જતા રસ્તે અવરોધ કરતા 19ની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાતાલુકાના સુખપુરી (ગોઠડા) ગામે ભુવનેશ્વરી ક્વોરીમાં જતા રોડ પર પથ્થરો તેમજ કાંટાના ઝાંખરા મુકી ક્વોરીમાં આવતા જતા માણસો તથા રાહદારીઓને અવરોધ ઉભો કરવામાં આવતો હતો. તેમજ રસ્તો બંધ કરી ગેરકાયદે મંડળી રચી પોલીસના વાહનોને રોકી સરકારી કામમાં અડચણ ઉભા કરવામાં આવ્યા હતા. જેથી તાલુકા પોલીસે ગત સાંજના સમયે 19 ગ્રામજનોની ધરપકડ કરી કાર્યવાહી આરંભી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા તાલુકાના સુખપુરી (ગોઠડા) ગામે આવેલી ભુવનેશ્વરી ક્વોરીનો નવીન પ્લાન આવેલો છે. ક્વોરીની ખાણમાં છેલ્લા કેટલાક સમયથી બ્લાસ્ટિંગ થઇ રહ્યું છે. જેના કારણે આસપાસ આવેલા મકાનો તેમજ સ્કૂલના બિલ્ડિંગને નુકસાન થતું હતું. તેમજ ઉડતી ધૂળની ડમરીઓને કારણે ગામમાં આવેલા ખેતરોમાં પકવેલ પાકને નુકસાન થતું હતું. જે ભુવનેશ્વરી પ્લાન બંધ કરવા માટે કેટલાક ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ તાજેતરમાં ભુવનેશ્વરી ક્વોરીમાં જતા જાહેર રોડ પર પથ્થરો તેમજ કાંટાના ઝાંખરા મુકી દેવાયા હતા.

ઉપરાંત તેઓ દ્વારા ત્યાં હાજર રહી રોડ પર આવતા જતા રાહદારી તથા ક્વોરીમાં જતા આવતા માણસોને ગેરકાયદે અવરોધ ઉભો કરાતો હતો. તેમજ રસ્તો બંધ કરી ગેરકાયદે મંડળી રચી પોલીસના વાહનોને રોકી સરકારી કામમાં અડચણ ઉભા કરાયા હતા. અંગે ગોધરા તાલુકા પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગત 10 એપ્રિલે મોડી સાંજે હિંમતભાઇ સોલંકી, હરીસીંહ રાઠોડ, જયેશકુમાર રાઠોડ, ગણપતસિંહ સોલંકી, જશવંતસિંહ રાઠોડ, ગણપતભાઇ ચાવડા, યોગેશકુમાર ચાવડા, હિંમતસિંહ ચાવડા, ખુમાનસિંહ ગોહીલ, નટુભાઇ રાઠોડ, અક્ષયકુમાર પરમાર, સંજયકુમાર સોલંકી, સુનીલકુમાર પરમાર, સંજયકુમાર મહેન્દ્રસિંહ રાઠોડ, રાજુભાઇ નરવતભાઇ ચાવડા, દશરથભાઇ ચુનીલાલ રાઠોડ, મહેન્દ્રકુમાર ગણપતસિંહ ચાવડા, જગદીશકુમાર હિંમતસિંહ સોલંકી તથા વિજયસિંહ પર્વતસિંહ રાઠોડની ધરપકડ કરાઇ હતી. પોલીસે તમામની ધરપકડ કરી આગળની કાર્યવાહી આરંભી છે.

ગોધરા

બ્લાસ્ટિંગથી શું અસર થાય છે?

સુખપુરી(ગોઠડા)ગામે આવેલી ભુવનેશ્વરી ક્વોરીનો નવીન પ્લાન રહેણાંક વિસ્તારમાં આવેલો છે. જેથી ક્વોરીની ખાણમાં થતા બ્લાસ્ટિંગથી આસપાસ આવેલા મકાનો તેમજ સ્કૂલના બિલ્ડિંગને નુક્સાન થતું હોય છે. તેમજ ક્વોરીમાંથી ઉડતી ધૂળથી ખેતી પાકને નુકસાન થતું હતું.

ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા છે

^સુખપુરી (ગોઠડા) ગામે ભુવનેશ્વરી ક્વોરીમાં જતો રસ્તો બંધ કરી ગેરકાયદેસર મંડળી રચી પોલીસના વાહનોને રોકી સરકારી કામમાં અડચણ કરી હતી. જેના આધારે ગત શુક્રવારે 19ની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરાયા છે. >એસ.બી.ભરવાડ, PI, ગોધરા તાલુકા

પોલીસવાહનોને રોકી અડચણ ઉભી કરાઇ