સિક્કીમ અને દાર્જીલિંગની ટૂરના બહાને 11.89 લાખની છેતરપિંડી

Godhra - latest godhra news 022550

DivyaBhaskar News Network

Oct 30, 2018, 02:25 AM IST
સિક્કીમ અને દાર્જીલીંગની ટુર કરવા ઇચ્છુક પ્રવાસીઓને હોટેલ બુકીંગ અને ફ્લાઇટ બુકીંગના નામે 11.89 લાખ લઇ લીધા પછી પણ તેમને સવલત પુરી ના પાડનારા ઓપી રોડના ટ્રાવેલ અનલિમીટેડના ભાવેશ ચૌહાણ સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરુ કરી હતી. ઓપી રોડ પર વ્રજ ફ્લેટમાં રહેતા એસબીઆઇ બેંકના નિવૃત્ત ચીફ મેનેજર જયંતભાઇ છબીલદાસ મોદીએ ટ્રાવેલ અનલિમીટેડ ટુર સંચાલક ભાવેશ ચૌહાણ ( રાજલક્ષ્મી કોમેપ્લેક્ષ, ચકલી સર્કલ) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગોધરા ખાતે રહેતા તેમના પુત્ર મેહુલને પત્ની અને 2 બાળકો સાથે સિક્કીમ અને દાર્જીલીંગ ખાતે ટુરમાં જવું હોવાથી મેહુલે ભાવેશ ચૌહાણનો સંપર્ક કર્યો હતો અને મેહુલના કહેવાથી તેઓ ભાવેશ ચૌહાણને મળવા તેની ઓફિસે ગયા હતા. ભાવેશે જયંતભાઇ પાસેથી બુકીંગના 10 હજાર લીધા બાદ જયંતભાઇએ થોડા દિવસ બાદ ફ્લાઇટ ટિકીટના રોકડા 90 હજાર તેને આપ્યા હતા.ત્યારબાદ 7મે સુધીમાં નક્કી કર્યા મુજબ 2.18 લાખ આપ્યા હતા.ભાવેશે સફેદ કાગળ પર ફ્લાઇટ ટિકીટની કોમ્પ્યુટર પ્રિન્ટ આપી હતી અને તે જ પ્રમાણે હોટેલના વાઉચર પણ આપ્યા હતા. ત્યારબાદ 13 મેના રોજ મેહુલ અને તેનો પરિવાર તથા મિત્ર ધર્મેન્દ્ર પટેલ અને તેનો પરિવાર મળીને 7 જણા સિક્કીમ ટુરમાં જવા નિકળ્યા હતા. તેઓ દાર્જીલીંગ પહોંચ્યા ત્યારે ત્યાં ભાવેશે હોટેલનું બુકીંગ કરાવ્યું ન હતું. તેઓ હોટેલ પર પહોંચ્યા ત્યારે તેમનો કોઇ રુમ બુક નથી તેમ જણાવાયું હતું, જેથી તેઓ સ્વ ખર્ચે બીજી હોટેલમાં રોકાવા ગયા હતા. ત્યારબાદ ગંગટોક ગયા હતા.પરત આવવા માટે તેઓ બાગડોગરા એરપોર્ટ પર ગયા ત્યાં ફ્લાઇટનું બુકીંગ કરાવ્યું ના હોવાનું તેમને જાણવા મલ્યું હતું. તેઓ દિલ્હી એરપોર્ટ પર આવ્યા ત્યારે પણ ફ્લાઇટનું બુકીંગ કરાવેલું ના હોવાથી સ્વ ખર્ચે હોટેલમાં રોકાવું પડયું હતું. ત્યારબાદ ભાવેશે પૈસા પાછા આપવામાં ગલ્લા તલ્લાં કર્યા હતા.

દાર્જીલિંગમાં હોટેલના બદલે વેરાન જગ્યાએ લઈ જવાયા

મેહુલ મોદી અને તેમનો પરિવાર દાર્જીલીંગ પહોંચ્યા તો ત્યાં ભાવેશનો માણસ તેમને દાર્જલીંગથી 15 કિમી દુર કોઇ વેરાન જગ્યાએ આવેલા મકાનમાં લઇ ગયો હતો અને ત્યાં રહેવા જણાવ્યું હતું. તેમણે આ મામલે પુછપરછ કરતાં ટ્રાવેલ્સ એજન્સીએ અહીં જ રોકાવાની વ્યવસ્થા કરી હોવાનું જણાવાયું હતું. મકાનમાં આ પરિવાર પહોંચ્યો ત્યારે મેહુલના પુત્રને કુતરું કરડતાં તેમને સારવાર માટે વધુ બે ત્રણ દિવસ રોકાવું પડયું હતું.

અન્ય 4 લોકો સાથે પણ છેતરપિંડી

ભાવેશ ચૌહાણે આ જ પ્રમાણે ધ્રુકીન સંજય પટેલના 1.42 લાખ, ભાવીન રાજેન્દ્ર શાહના 2.82 લાખ, કાંતિભાઇ દ્વારકાભાઇ પ્રજાપતિના 147600 તથા મુસ્તુફા બાજીના 4 લાખ લઇ કુલ 11.89 લાખની છેતરપીંડી કરી હોવાનું જણાતા ગોત્રી પોલીસે ભાવેશ ચૌહાણની તપાસ શરુ કરી હતી.

X
Godhra - latest godhra news 022550
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી