ખેડાપા ગ્રા. પં.ના તલાટીને 7 વર્ષની કેદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લુણાવાડા | મહિસાગર જિલ્લાના ખેડાપા ગ્રામ પંચાયતની વારસાઈ મિલક્તમાં ભાઈઓના ખાતા અલગ પાડવા માટે રૂ. 15 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયેલા સુભાષભાઈ છગનભાઈ કટારાને ડિસ્ટ્રીક્ટ કોર્ટના સ્પેશિયલ જજ એચ.બી.રાવલે તકસીરવાર ઠેરવી 7 વર્ષની સખ્ત કેદ અને રૂ. 50 હજાર દંડ ફટકાર્યો છે.

લાલજીભાઇ નારજીભાઇ પારગીએ વર્ષ 2010માં તલાટીનો સંપર્ક કર્યો
આ કેસની વિગતોમાં, મહિસાગર જિલ્લાના ખેડાપા ગામમાં રહેતાં લાલજીભાઇ નારજીભાઇ પારગીએ પોતાના પિતા તથા કાકાઓની સંયુક્ત જમીનને ચાર ભાઈઓના જુદા જુદા ખાતા પાડવા માટે વર્ષ 2010માં ખેડાપા ગ્રામ પંચાયતના તલાટી સુભાષભાઈ છગનભાઈ કટારાનો સંપર્ક કર્યો હતો.તે સમયે તલાટીએ જુદા જુદા ખાતા પાડવા માટે વહેવારના રૂ. 15 હજાર આપવા પડશે. લાંચની માગણીથી ઉશ્કેરાયેલા લાલજીભાઇ નારજીભાઇ પારગીએ તલાટી સામે ગોધરા એસીબીમાં ફરિયાદ નોધાવી હતી. ફરિયાદના અનુસંધાને એસીબીએ 7 ડિસે.2010ના લાંચનુ છટકુ ગોઠવી તલાટીને રૂ. 15 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા. તલાટીની ઘરપકડ બાદ એસીબીએ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સ્પે.કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ એમ.કે.દેશમુખ દ્વારા કેસ પુરવાર કરવા માટે 4 સાક્ષી કોર્ટ સમક્ષ તપાસ્યા હતા. પક્ષકારોની રજૂઆતના અંતે સ્પે.એસીબી કોર્ટના જજ એચ.બી.રાવલે તલાટીએ પોતાની સત્તાનો દુરપયોગ કર્યો હોવાનું હાલના તબક્કે પુરવાર થાય છે તેવી નોંધ મૂકી ઉપરોક્ત ચુકાદો જારી કર્યો હતો.સુભાષભાઈ છગનભાઈ કટારાને ડિસ્ટ્રીક્ટ કોર્ટના સ્પેશિયલ જજ એચ.બી.રાવલે તકસીરવાર ઠેરવી 7 વર્ષની સખ્ત કેદ અને રૂ. 50 હજાર દંડ ફટકાર્યો છે.

અન્ય સમાચારો પણ છે...