િબયર-દારૂની હેરાફેરી થતી હતી ત્યારે જ પોલીસ ત્રાટકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દશરથના બ્રજેલ્સ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં સોમવારે મોડી રાત્રે 2 છાણી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડતા દારૂનો જથ્થો હાથ લાગ્યો હતો. છાણી પોલીસે બિયર ભરેલો ટેમ્પો અને હોન્ડા સિટી કાર સાથે એક શખ્સને પકડી પાડ્યો હતો જ્યારે ત્રણ ફરાર થઇ ગયા હતા. જ્યારે ક્રાઇમ બ્રાન્ચને બિયર ભરેલી કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં હોન્ડાસિટી કાર મકરપુરા જીઆઇડીસીની યુએનપી પોલીવાલ્સ પ્રા.લિ. કંપનીની હોવાનું બહાર આવ્યું છે. આ કાર રામ માળી નામનો શખ્સ લાવ્યો હોઇ તેની ધરપકડ બાદ વધુ વિગતો બહાર આવશે.

નેશનલ હાઇવે નં. 8 દશરથ ગામ નજીક આવેલા બ્રજેલ્સ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં બિયર ભરેલો ટેમ્પો આવવાનો છે તેવી બાતમી મળતાં છાણી પીએસઆઇ કે.એચ.અંબારિયા સહિતની ટીમે રાત્રે હેરાફેરી વેળાએ જ 10 વાગે દરોડો પાડ્યો હતો. પોલીસને સ્થળ પરથી ટેમ્પો અને હોન્ડા સિટી કાર મળી આવી હતી. બંને વાહનોમાં બિયરનાં ટિન મળી અાવ્યાં હતાં. ટેમ્પોમાં ફળ અને શાકભાજી ભરવાના ખાલી કેરેટમાં ટીન મૂકેલાં હતાં. પોલીસે રૂા. 1.84 લાખના બિયરનાં 77 બોક્સ તેમજ બંને વાહનો મળી રૂા. 10.89 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે સ્થળ પરથી કરોડિયા બાજવા રોડના મહાલક્ષ્મી ટેનામેન્ટના વિનોદ વિજયગીરી ગોસ્વામીને ઝડપી પાડ્યો હતો જ્યારે કાર લાવનાર રામ લક્ષ્મણ માળી તેમજ દારૂ મંગાવનાર સાગર લાલાભાઇ પારેખ અને શંકર માળી ફરાર થઇ ગયા હતા.

જ્યારે મોડી રાત્રે 12 વાગે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પણ આ જ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં રેડ કરતાં પાર્કના અન્ય રોડ પરથી ભૂરા રંગની અલ્ટો કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. આ કારમાં તપાસ કરતાં બિયરનાં 480 ટિન હતાં.પોલીસે 48 હજારની બિયર અને કાર મળી રૂા. 1.23 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વિનોદ વિજયગીરી ગોસ્વામીના એક દિવસના રિમાન્ડ મેળવી ફરાર ત્રણ આરોપીની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...