• Gujarati News
  • NRIના ઘરમાં ઉધઇની ટ્રિટમેન્ટ સાથે ~5.46 લાખની હાથસફાઇ

NRIના ઘરમાં ઉધઇની ટ્રિટમેન્ટ સાથે ~5.46 લાખની હાથસફાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાવાઘોડિયા- ડભોઇ રિંગ રોડ પરની આંગન રેસિડેન્સીમાં નિદ્રાધીન અેનઆરઆઇના મકાનમાંથી 17 તોલા સોનાના દાગીના, રોકડા ~25,000 સહિત ~5.46 લાખની મતાની ચોરીમાં ઉધઇની ટ્રિટમેન્ટ કરવા આવેલો યુવાન હાથફેરો કરી ગયો હોવાનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે તેની ધરપકડ કરી 3 દિવસનાં રિમાન્ડ મેળવી મુદ્દામાલ કબજે કરવા કવાયત હાથ ધરી હતી.

અંગે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર મૂળ વડોદરાના ડભોઇ રિંગ રોડ પરની આંગન રેસિડેન્સીમાં રહેતા સનતભાઇ ઇશ્વરલાલ ભાવસાર છેલ્લાં 35 વર્ષથી અમેરિકામાં રહી વેપાર કરે છે. તેઓ 15 નવેમ્બરે વડોદરા સ્થિત ઘરે આવ્યા હતા. ઘરમાં ઊધઇની દવા નાખવાનું કામ કાઢ્યું હોવાથી તેઓ થોડા દિવસ વીઆઇપી રોડ સ્થિત અનિલપાર્ક વિભાગ-1 ખાતે આવેલા સાળાને ત્યાં રહેવા ગયા હતા.તા. 25 નવેમ્બરના રોજ રાત્રે આંગન રેસિડન્સી સ્થિત તેમના ઘરે આવ્યા હતા. સાડા ચાર વાગે ઉઠતાં બેડરૂમમાં કબાટના દરવાજા અને ડ્રોઅર ખુલ્લાં જણાયાં હતાં. તેઓએ તપાસ કરતાં 17 તોલા સોનાના દાગીના, બે કીમતી ઘડિયાળ, 1450 અમેરિકન ડોલર અને રોકડા ~25,000 મળી કુલ ~5.46 લાખની મતાની ચોરી થઇ ગઇ હતી. જે પૈકી 1450 ડોલર અને કાંડા ઘડિયાળ બાદમાં ઘરમાંથી મળી આવી હતી.

ઘર અને દરવાજાને લાગેલી ઊધઇની ટ્રિટમેન્ટ કરાવવા માટે આજવા રોડ સ્થિત ચાચા નહેરૂનગરમાં રહેતા શુકલદેવ ધ્રુવ ચૌહાણને બોલાવી ઘરની બે પૈકી એક ચાવી તેને આપી હતી. શુકલદેવ ઊધઇની ટ્રિટમેન્ટ કરવાની સાથે સાથે ઘરમાંથી ચોરી કરી ફરાર થઇ ગયો હતો.

જે હકિકત બહાર આવતા પાણીગેટ પોલીસે તેની ધરપકડ કરી પુછપરછ કરતા તેણે ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે શુક્રવારે તેને કોર્ટમાં રજૂ કરતા 3 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા.