હરિદ્વારની ગંગા નદીમાં સ્નાન કરતા પતરાનો યુવક ડૂબ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી તાલુકાના પતરા ગામના પટેલ પરિવારનો એકનો એક 20 વર્ષીય પુત્ર પરિવાર સાથે ફરવા ગયો હતો. ત્યારે હરિદ્વારમાં ગંગા નદીમાં પગ લપસ્તા યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું.

મૂળ પતરાના અને વડોદરા એજ્યુકેશન પ્રોગ્રામ કરતા સંજયભાઈ પટેલના બે સંતાનોમાં મોટી પુત્રી ખુશ્બૂના લગ્ન બોડેલીના તાંદલજા મુકામે ત્રણ મહિના અગાઉ જ કર્યા છે. જ્યારે 20 વર્ષનો પુત્ર માધુર્ય એમ એસ યુનિ.ના એસવાય બીએસસીમાં ભણવા સાથે એનસીસીમાં ભાગ લે છે. પર્વતારોહણનો શોખીન માધુર્ય અડધો હિમાલય ખૂંદી વળ્યો છે.

તા.17 મેએ પર્વતારોહણમાંથી આવીને તા.18ના રોજ પરિવાર અને સ્વજનો સાથે દિલ્હી ગયો અને નૈનિતાલ વિગેરે ફરીને હરિદ્વાર આવ્યા હતાં. આ સમગ્ર કાર્યક્રમ પણ માધુર્યએ આયોજિત કર્યો હતો. ત્યારે હરિદ્વાર આવીને ગંગા નદીમાં સ્નાન કરવા ઉતરતા જ માધુર્ય ડૂબ્યો હતો. તરવૈયાઓ બહાર કાઢે તે પહેલાં તેનું મોત થયું હતું. સમગ્ર કાર્યક્રમ આયોજન કરનાર માધુર્યની ભારે હૈયે હરિદ્વારમાં જ અંતિમ વિધિ કરીને પટેલ પરિવાર વતન પરત આવ્યો હતો.અત્રે ઉલ્લેખની છે કે યુવાન મોતને ભેટતા પરિવારમાં ગમગીની છવાઇ.

અન્ય સમાચારો પણ છે...