• Gujarati News
  • કેરાળાની ખાનગી કંપનીમાં 15 કારીગરોને છૂટા કરતા હડતાળ

કેરાળાની ખાનગી કંપનીમાં 15 કારીગરોને છૂટા કરતા હડતાળ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાતાલુકાના કેરાળા પાસે આવેલા પેટ્રોલપંપ સામેની બોટલોના ઢાંકણા બનાવતી ખાનગી કંપનીના કોન્ટ્રાકટમાં કામ કરતા 15 જેટલા કામદારોને કોઇપણ કારણ વગર છુટા કરી દેવામાં આવ્યા છે. તેમજ દિવસે દિવસે જે કામદારોને ત્રણ વર્ષ થવાની તૈયારી હોય તેમને ધીમે ધીમે છુટા કરવાનું શરૂ કરી દેતા કંપનીમાં કામ કરતા 150 જેટલા કારીગરોએ ભેગા થઇને બે દિવસથી કામ બંધ કરી હડતાલ પર ઉતરી ગયા છે. કંપનીના ઝાંપા બહાર કારીગરોએ અડ્ડો જમાવી બેસી જઇને જયાં સુધી છુટા કરેલા કામદારોને પાછા લેવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે તેમજ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને પણ કંપની બહાર રોકી દેવામાં અાવે છે.

કંપનીમાં કામ કરતા બાલકૃષ્ણભાઇ મકવાણા, મહેન્દ્રભાઇ પરમાર, પ્રવીણભાઇ પરમાર તેમજ કારીગરોએ જણાવ્યું હતું કે અમે ત્રણ વર્ષથી કંપનીમાં કામ કરીએ છીએ, પહેલા હંગામી ધોરણે રાખ્યા હતાં પછી માર્ચ-2013 થી પી.એફ કાપવાનું શરૂ કર્યુ.

ઘણીવાર સીંગલ પી.એફ. કાપે છે. અને પંદર દિવસથી જે કારીગરોને ત્રણ વર્ષ પુરા થાય તેમને ધીમેધીમે કોઇપણ કારણ વગર છુટા કરવામાં આવી રહ્યા છે. જેથી બધાનો વારો ના આવે તેથી અમો હડતાલ ઉપર તમામ કારીગરો ઉતરી ગયા છીએ, જયાં સુધી છુટા કરેલા 15 જેટલા કારીગરોને પાછા લેવામાં ના આવે ત્યાં સુધી અમારી હડતાલ ચાલુ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

અંગે કંપનીના એચ.આર.મેનેજર પરષોત્તમભાઇ ત્રિપાઠીએ જણાવ્યું કે, અમારી કંપની હાલ મંદીના પીરીયડમાં ચાલી રહી છે. કંપનીમાં અડધો પ્લાન્ટ ચાલુ છે પ્રોડકશન ઓછુ કરવાનું હોવાથી કોન્ટ્રાકટરો કારીગરો છુટા કરે છે. કારીગરોનું ગેરવર્તન, દાદાગીરી અને કામ નહી કરતા હોવાથી તેમને કોન્ટ્રાકટરો સીફટીંગ કરી રહ્યા છે.

જ્યારે બીજી બાજુ કોન્ટ્રાક્ટર મુન્નાભાઈ પટેલે જણાવ્યું કે, કંપનીમાં અમારા કોન્ટ્રાકટમાં કામ કરતા અમુક કારીગરોની વધ પડતા અમે અમારો કોન્ટ્રાકટ બીજી કંપનીઓમાં ચાલતો હોવાથી ત્યાં મુકવામાં આવે છે. અમે કારીગરોને છુટા કર્યા નથી.