આખરે ચીફ ઓફીસરે કોન્ટ્રાકટર,જવાબદારો સામે ફરીયાદ નોંધાવી
બાવળામાંનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી સાંઇ દર્શન સોસાયટીમાં સાંજે સ્ટ્રીટ લાઇટના થાંભલા કરંટ લાગવાથી દસ વર્ષના બાળકનું મોત થવા પામ્યું હતું. જેથી મૃતકના પરીવારે જવાબદારો સામે પગલા ભરવા તથા પોલીસ કેસ કરવા નગરમાં મૌન રેલી કાઢી આવેદનપત્ર આપી બાવળા બંધનું એલાન પણ આપવામાં આવ્યું હતું. આખરે નગરપાલિકાના ચીફ ઓફીસરે બાવળા પોલીસમાં કોન્ટ્રાકટર અને જવાબદારો સામે ફરીયાદ નોંધાવી છે.
બાવળામાં નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી સાંઇ દર્શન સોસાયટીમાં રહેતા બળવંતસિંહ ગોહીલનો દસ વર્ષનો દીકરો પ્રથમસિંહ સાંજના સ્ટ્રીટ લાઇટના થાંભલા સાથે રમતો હતો ત્યારે સ્ટ્રીટ લાઇટો ચાલુ થતાં કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે મોત થવા પામ્યું હતું. ઘટના બાદ પાલિકા દ્વારા જવાબદારો સામે કોઇ પગલા ભરવામાં નહીં આવતા મૃતક પરીવાર અને રાજપુત સમાજ અને અન્ય લોકોએ બાવળામાં મૌન રેલી કાઢી મામલતદાર અને ચીફ ઓફીસરને આવેદનપત્ર આપ્યું હતું. બાવળા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અનેુ બાવળા સજ્જડ બંધ રહ્યું હતું.
આખરે નગરપાલિકાના ચીફ ઓફીસર પ્રણવભાઇ શાહે બાવળા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી કે બાવળા નગરપાલિકા વિસ્તારમાં 2345 સ્ટ્રીટ લાઇટો આવેલી અને રાજય સરકારે તા.1/10/16 ના બાવળા નગરપાલિકાના જનરલ બોર્ડ ઠરાવ નં.39(1) ના અનુસંધાને તમામ સ્ટ્રીટ લાઇટો સોડીયમ બલ્બ તથા ટયુબ લાઇટ તથા સીએફએલ હોવાથી વીજ બચત કરવાના ઇરાદે તમામ સ્ટ્રીટ લાઇટોને એલઇડી લાઇટમાં ફેરવી ઠરાવ કરી મોકલ્યો હતો. જે અનુસંધાને ઉતર પ્રદેશના નોઇડામાં અવોલી એનર્જી અફીસીયન્સી સર્વિસીસ લી.ને જે સરકાર માન્ય કંપની છે તેને કામ સોંપવામાં આવેલ અને સાત વર્ષનો કરાર કર્યો હતો. જેમાં એલઇડી લાઇટની સાચવણી, મરામત, નિભાવણી અને વીજ બીલના નાણાં બચે તે રીતે ચલાવવા માટે કંપની બંધાયેલી છે, તેથી જવાબદારી કંપનીની રહે છે. જેથી કંપનીના માણસોએ બેદરકારી દાખવીને કામના જાણકાર હોવા છતાં સ્ટ્રીટ લાઇટનો વીજપ્રવાહ થાંભલામાં વહેલો રહેવા દીધેલો અને મોટો અકસ્માત અને મનુષ્યનો જીવ જઇ શકે તેવો અકસ્માત થવાની જાણકારી હોવા છતાંય તે વીજ પ્રવાહ ચાલુ રહેવા દીધેલો. જેથી દસ વર્ષના બાળકનું મોત થવા પામ્યું હતું.
જેથી એનર્જી એફીસીયન્સી સર્વિસીસ લી. કંપનીના ડીજીએમ (ટી) ગોપાલ દયાલાણી, અમદાવાદ ઇન્કમટેક્ષ સર્કલ પાસે આવેલી ઇઇએસએલના પ્રોજેકટ મેનેજર અને એલઇડી લાઇટ (સ્ટ્રીટ લાઇટ) ની કામગીરીની જવાબદારી સંભાળતા અધિકારી તથા કર્મચારીઓ વિરુદ્ધ ફરીયાદ ચીફ ઓફીસર પ્રણવભાઇ શાહે નોંધાવી છે.
ઘટનામાં કંપનીના કર્મચારીઓ જવાબદાર
જવાબદાર સામે પગલા ભરવામાં તંત્ર પાણીમાં બેસી જતા મૃતકના પરિવારજનો તથા લોકોએ પાલિકા સામે લડત ચલાવી હતી
બાવળાની સાંઇદર્શન સોસાયટીમાંંં વીજથાંભલાથી કરંટ લાગતા દશ વર્ષના બાળકનું મોત નિપજ્યું હતું