છોટાઉદેપુરમાં અલગ અલગ ગ્રાઉન્ડો ઉપર પાણી ભરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુરમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ પડી રહ્યો છે. હજુ પણ વરસાદ નહીં થોભતા રસ્તાઓ ખરાબ થતા અને ગ્રાઉન્ડ ઉપર થતા કિચ્ચડને લઈ ગરબાના રસિયાઓ ક્યાં ગરબા રમવા એ ગંભીર પ્રશ્ન છે.

આસો નવરાત્રી તા. 29થી શરૂ થાય છે અને વરસાદ પણ છોટાઉદેપુરમાં સતત રહેતા રસ્તાઓ ધોવાઈ ગયા છે. છોટાઉદેપુરમાં કાલિકા મંદિર પાસે જાહેર રોડ ઉપર ગરબા દર વર્ષે થાય છે. પરંતુ ત્યાં આગળ નગરપાલિકા દ્વારા બે વર્ષ પહેલાં બનેલા રોડ તદ્દન હલકી કક્ષાનો તકલાદી બનતા ખાડા પડી ગયા છે. અનેક પુરાણો કરવા છતાં ત્યાં ખાડા પડેલા છે અને મોટા કાંકરા પગમાં વાગતા ગરબા રમાય તેવી સ્થિતિ નથી. નિર્મળ સોસાયટીમાં વોટરપ્રૂફ તંબુ તૈયાર કર્યો છે. પરંતુ તેની નીચે ભારે કિચ્ચડને દૂર કરવા ભારે પ્રયાસો આયોજકો કરી રહ્યા છે. પરંતુ સફળતા મળતી નથી. ગુરુકૃપા સોસાયટીમાં પણ ગ્રાઉન્ડની આસપાસ પાણીના ખાડાઓ ભરાઈ જતાં મુશ્કેલી વધી ગઈ છે. એસ એન કોલેજ ગ્રાઉન્ડ ઉપર 15મી ઓગસ્ટના રાજ્ય કક્ષાનો કાર્યક્રમ થયો. એ સમયે ગ્રાઉન્ડ આખું ખરાબ કરી નાખ્યું. પછી એની કોઈ દરકાર તંત્ર તરફથી નહીં રખાતા કોઈ ઉપયોગમાં આવે તેવી સ્થિતિમાં નથી. જેથી છોટાઉદેપુરમાં ચાલુ વર્ષે નવરાત્રી પર્વ નિરસ રહે તેમ લાગે છે. અત્યારે છોટાઉદેપુરમાં પડતા વરસાદને લઈને એમ લાગે છે કે માત્ર શેરી ગરબા અને એ પણ જ્યાં સિમેન્ટ કોંક્રિટનો રોડ હશે. ત્યાંજ માત્ર થશે. ચાલુ વર્ષે પ્રજા ભારે નિરાશ થશે. છેલ્લા કેટલાક દિવસથી છોટાઉદેપુરમાં વરસાદ સાંજના 5 વાગ્યા પછીજ પડે છે. જેથી ભારે મુશ્કેલી છે.

અન્ય સમાચારો પણ છે...