રેતી ખનન બંધ નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડેલી સહિત સમગ્ર તાલુકામાં પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા ઊભી થતાં માંકણી સહિતના સાત જેટલા ગામના આગેવાનોએ બોડેલી મામલતદાર અને એસડીએમ કચેરીએ જઇને રેતીખનન સદંતર બંધ કરવા અંગેનું આવેદન આપ્યું હતું. જેમાં જણાવ્યું હતુ કે જો રેતીખનન બંધ નહીં થાય તો ગાંધી ચિંધ્યાં માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.

ઉનાળો તેની ચરમસીમાએ પહોંચી રહ્યો છે. તેમતેમ પાણીનાં પોકાર ઠેરઠેર સાંભળવામાં આવી રહ્યાં છે. પીવાના પાણીની સમસ્યા અને સિંચાઈ માટેનાં પાણીની તંગી દેખાઈ રહી છે. તેના માટે ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનન મુખ્ય જવાબદાર છે. ત ત્યારે બોડેલી તાલુકાના માંકણી, રાજનગર, બાંગાપુરા, ઢેબરપુરા, પીચ્છુવાળા, કદવાલીયા, ખમાપુરા વિગેરે સાત ગામના આગેવાનોએ બોડેલી સેવા સદનમાં જઇને મામલતદાર અને એસડીએમને આવેદન સુપરત કર્યું હતું. તેમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે રેતી ખનનને લીધે જળ સ્તર ઊંડા ગયા છે. ખેડૂતોને હિજરત કરવાનો વખત આવ્યો છે.

ખેડૂતોની આર્થિક સ્થિતિ નીચે જતાં આત્મહત્યાનાં બનાવ પણ બની રહ્યાં છે. ઢેબરપુરા પંચાયતે તો ઠરાવ કર્યો છે કે રેતી ખનનની આપેલી મંજૂરી રદ કરવામાં આવે છે. તેથી વિસ્તારમાં જો કોઈ રેતી ઉલેચશે તો તેઓને નુકસાની વેઠવી પડશે. મતલબ કે પાણીની સમસ્યાને લઇને ગ્રામજનો જાગૃત બનીને પગલાં લઇ રહ્યાં છે. પણ તંત્ર હજી ઉનાળાને લઇને પાણીને લઇને કોઈ એક્શનમાં જોવા મળતું નથી.

પંચ તંત્ર
આગેવાનો આવેદનપત્ર આપતા ગ્રામજનો દેખાય છે.તસવીર વલ્લભ શાહ