તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાદરામાં લેવાલીની તુવેરો નહીં ખરીદતાં ખેડૂતો દ્વારા હોબાળો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાદરામાં રાજ્ય સરકાર દ્વારા તુવેરોની લેવાલી જાહેર કરી હતી. જેથી પાદરા તાલુકાના ગામે ગામથી તુવેર પકવતા ખેડૂતો ભાડે વાહન કરી પોતાની તુવેર નક્કી થયેલા 5675 રૂપિયાના સરકારી ભાવે વેચવા પહોંચ્યાં હતાં. વહેલી સવારથી પાદરાના પુરવઠાના ગોડાઉન ઘાયજ રોડ ખાતે ખેડૂતો ગયા હતાં અને લાઈનો લગાવી 3 દિવસથી ત્યાં જ પડ્યા પાથર્યા ભાડે વાહનો લઈ ઉભા રહ્યાં છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે અમારી પાસે મુકવાની જગ્યા નથી ખાલી જગ્યા થશે તેમ લઈશું. ત્યારે તુવેરો લેવાની જાહેર કરેલી છેલ્લી તારીખ 14/ 4/19 છે. ફક્ત 3 દિવસ બાકી છે અને 60 વાહનો છે. સામે એક જ વજન કાટો છે તો ક્યારે પૂરું થાય અને અંતિમ તારીખ વીતી જાય તથા ભાડે લાવેલા વાહનોનું ભાડું વધતું જાય છે. આ બાબતે ગુરૂવારના રોજ સરકારી ગોડાઉનના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે ચકમક થઈ હતી. જેથી ઉગ્ર વાતાવરણ બનતા ખેડૂત આગેવાનો અને ભારતીય કિસાન સંઘના ઠાકોરભાઈ સહીત આગેવાનો દોડી આવ્યા હતાં. ત્યારે આગેવાનોએ વહીવટી તંત્રને ચીમકી આપી છે કે તાત્કાલિક તુવેરો લેવાની વ્યવસ્થા ઉભી કરો નહીં તો આવતીકાલે રોડ રસ્તા બંધ કરી ચક્કાજામ કરવામાં આવશે. અને તે અંગેની સંપૂર્ણ જવાબદારી અધિકારીઓની રહેશે. આમ પાદરામાં પાડાને વાંકે પખાલીને ડામ જેવી હાલત ખેડૂતોની થવા પામી છે.

પાદરાના પુરવઠાના ગોડાઉન ઘાયજ રોડ ખાતે ખેડૂતો ગયા હતાં અને લાઈનો લગાવી 3 દિવસથી ત્યાં જ પડ્યા પાથર્યા ભાડે વાહનો લઈ ઉભા રહ્યાં છે. તસવીર - ગોપાલ ચાવડા

3 દિવસથી લાઈનમાં ઉભા છે રોજના 3 વાહનો લે છે
અમે અહીંયા તુવેર લઈને આવ્યા છે સરકારે ભાવ 5675 પાડ્યા છે. 3 દિવસથી લાઈનમાં ઉભા છે રોજના 3 વાહનો લે છે. અહીંયા જગ્યા નથી તો અમારો વારો ક્યારે આવશે અને છેલ્લી તારીખ 14 એપ્રિલ છે. તાત્કાલિક અસરથી અમારી તુવેરો લેવાંની વ્યવસ્થા કરાય. ભાડે વાહનોને કારણે અમોને મોંઘુ પડે છે. ભગવાનભાઈ પટેલ, ખેડૂત

વ્યવસ્થા નહીં કરાય તો ચક્કાજામ કરીશું
આજે સવારે નિગમની ઓફિસે ગયો હતો તો 60 વાહનો ભરેલા પડ્યા છે. તુવેરો લેવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી છતાં પણ કેમ કોઈ વ્યવસ્થા ના કરવામાં આવી. જો હજુ કોઈ વ્યવસ્થા ના કરવામાં આવી તો આની સામે ભારતીય કિસાન સંઘ શુક્રવારે ઘાયજ રોડ ઉપર ચક્કા જામ કરશે. ઠાકોરભાઈ કિસાન સંઘ જિ. પ્રમુખ

અમે બધા ખેડૂતોની તુવેરો લઇશું
અમારી પાસે ગોડાઉનમાં જગ્યા ઓછી છે તેથી વાર લાગે છે અમે બધાની તુવેર લઈશું. જેટલા ખેડૂતો આવશે તે તમામની તુવેરો અમે લઇશું. એમ.એસ. મેવાડા, પાદરા ગોડાઉન મેનેજર

અન્ય સમાચારો પણ છે...