વિવિધ પડતર પ્રશ્ને પ્રાથમિક શિક્ષકોના ધરણાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ | વિરમગામ, ધંધુકા, સાણંદ

વિરમગામ તાલુકા સેવા સદન બહાર 27નવેમ્બર બુધવારે જુની પેન્શન યોજના ફરી શરૂ કરવા તેમજ નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણને સુદ્રઢીકરણ કરવા સહિતના પ્રશ્નોને લઈને 130થી વધુ પ્રાથમિક શિક્ષકો દ્વારા ધરણા યોજવામાં આવ્યા હતા.

જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બુધવારે દરેક તાલુકા કક્ષાએ શિક્ષકોની વિવિધ માંગણીઓને લઈને સેવાસદન બહાર ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં વિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા 130થી વધુ શિક્ષકો દ્વારા ધરણા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂની પેન્શન યોજના તાત્કાલિક ચાલુ કરવી,છઠ્ઠા પગાર પંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી,તા. 1-1-2016ની અસરથી સમગ્ર દેશના બધા શિક્ષકો માટે સમાનરૂપે લાગુ કરવી, ઉચ્ચતર પગાર ધોરણ સી.સી.સી પાસ કર્યા બાદ પરંતુ મળવાપાત્ર તારીખથી આપવા બાબત તથા 30/6/2016 પછી મુદત વધારવા બાબત,પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ રૂપિયા 4200 ગ્રેડ પે ચાલુ કરવા બાબત ને લઈને ધરણા કાર્યક્રમ સહિત વિરમગામ મામલતદારને વિવિધ માંગણીઓને લઇને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ધંધુકામાં પ્રાથમિક શિક્ષકોએ રેલી કાઢી હતી અને મામલતદાર અને પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપ્યું હતું. આશરે 100 જેટલા શિક્ષક ભાઇ-બહેનો એક દિવસના ધરણાનાં કાર્યક્રમમાં જોડાયા હતા. સાણંદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઈ પટેલ તેમજ મંત્રી તેજસભાઈ અમીનની આગેવાનીમાં યોજાયેલા આ ધરણા કાર્યક્રમમાં સવારે 11 કલાકથી જ મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત હતા.

પ્રાથમિક શિક્ષકોએ અેક દિવસના ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો. તસવીર જિજ્ઞેશ સોમાણી, જયદીપ પાઠક, હર્ષદ દવે, રાજુ શર્મા

અન્ય સમાચારો પણ છે...