લુણાવાડાના ધારાસભ્ય સેવકની શિખામણ શાળા મર્જ ન કરો, ગામડામાં સમસ્યા સર્જાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | લુણાવાડા / શહેરા

ભાજપના લુણાવાડાના ધારાસભ્યએ શિક્ષણમંત્રીને પત્ર લખી શાળાઓ મર્જ કરવાની કવાયત સામે અસંતોષ વ્યકત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ધારાસભ્ય શિક્ષકો અને બાળકોની વહારે આવ્યાની સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ ફરતી થઈ છે તો બીજી તરફ મહીસાગર જીલ્લામાં 228 શાળાઓ મર્જ કરવાની કવાયત સામે પહેલા ખાનગી શાળાઓ બંધ કરાવો એવો વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 30થી ઓછી વિદ્યાર્થી સંખ્યા ધરાવતી શાળાઓ મર્જ કરવાની શરૂ કરાયેલી કવાયતમાં અસંતોષ વ્યક્ત કરી ફેરફાર કરવા અંગે મહીસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવકે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરતો પત્ર લખ્યો છે.

વધુમાં પત્રમાં બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ગામડે ગામડે શાળાઓ શરૂ કરવામાં આવી હતી જો શાળાઓ મર્જ કરવાનો નિર્ણય થાય તો બાળકો એક બે કિલોમીટર દૂર ભણવા ના જતાં શિક્ષણથી વંચિત રહી જવાની આશંકા વ્યકત કરતાં બાળકોને પરિવહનની સગવડ અંગે પણ અનેક પ્રશ્નો ઉભા થાય છે તેમ જણાવ્યુ છે. ગામડાઓમાં સરળતાથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપી શકાય તેમ નથી. તેમણે પોતાના પત્રમાં જણાવ્યું છે કે ગામડાઓમાં ક્યાંક રોડ રસ્તાની કયાંક નદી નાળાની, જંગલ કોતરની ડુંગરાળ પથરાળ રસ્તાઓમાં થકી અકસ્માતના બનાવોની શક્યતા છે. ગામની શાળાઓ બંધ કરવાની થતાં આગેવાનો તેમજ સરપંચોમાં અસંતોષ છે

તેથી શાળાઓ મર્જ કરવામાં ફેરફાર કરવા જણાવ્યું છે. બીજી તરફ રાજય સરકાર દ્વારા 30થી ઓછી વિદ્યાર્થી ધરાવતી શાળાઓ મર્જ કરવાની સ્થિતિ થાય તો જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર મહીસાગર જીલ્લામાં આવી 228 જેટલી શાળાઓ છે ત્યારે આવી શક્યતા ધરાવતી ખાનપુર તાલુકાની ભાણપુર પ્રાથમિક શાળાની મુલાકાત લેતા ત્યાં 27 ની સંખ્યા છે અને શાળા મર્જ થાય તો ગામલોકો પણ ચિંતિત છે અને ઉગ્ર આક્રોશ વ્યકત કરે છે તો ત્યાંના આચાર્ય નટવરભાઇ પણ શાળા મર્જ થાય તો મુશ્કેલીઓ પડે તેમ જણાવી રહ્યા છે.

મહી.ના 6 તાલુકામાં 30થી ઓછી સંખ્યા ધરાવતી 228 શાળાઓ
મહિસાગર જિલ્લાની 30થી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓની વિગત

તાલુકો શાળાઓ શિક્ષકો વિદ્યાર્થીઓની સંખ્યા
કડાણા 33 64 725

ખાનપુર 27 56 618

લુણાવાડા 81 45 1760

સંતરામપુર 36 73 828

બાલાસિનોર 23 47 523

વિરપુર 28 54 640

કુલ 228 439 5094

શિક્ષણમંત્રી-શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત કરાઇ
સરકાર દ્વારા તાજેતરમાં પ્રા. શાળાઓ મર્જ કરવા જે નિર્ણય લેવાયો છે તેમા શહેરા તાલુકાની 16 શાળાઓ મર્જ કરવા પ્રા. શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે જેનાથી આ વિસ્તારના ગરીબ બાળકોને અભ્યાસ માટે મુશ્કેલી ઉભી થાય તેવા સંજોગો ઉભા થઇ શકે એમ છે.સાથે સાથે 32 શિક્ષકોને પણ અન્ય શાળામાં ફરજ બજાવવી પડશે તેથી તેઓને પણ કેટલીક અગવડ વેઠવાનો વારો આવે તેમ છે ત્યારે આ મામલે ફેરવિચાર કરવા શહેરાના ધારાસભ્ય તરીકે પોતે શિક્ષણમંત્રી તેમજ પ્રા. શિક્ષણાધિકારી સમક્ષ રજુઆત કરી છે.જેઠાભાઇ ભરવાડ, ધારાસભ્ય

પહેલા ખાનગી શાળાઓ બંધ કરો
પહેલા ખાનગી શાળાઓ બંધ કરો, મોટા નેતાઓ, પોતાની ખાનગી શાળાઓ ખોલીને બેઠા છે અને સરકારી અધિકારીઓ, નેતાઓ, શિક્ષકોના બાળકો સરકારી શાળામાં ભણતા નથી તેથી સરકારી શાળાઓ બંધ થવાની વાત આવે છે. અમારા ગામની શાળાની વાત કરીએ તો 100 ઘરનું ગામ છે અને અમારે ચારે બાજુ કોતર આવેલા છે અને રસ્તાઓ ખરાબ છે કોતરોમાં મગર છે એવામાં અમારા બાળકો ક્યાં મોકલવા? માટે શાળા બંધ થાય એમ જ નથી. વિક્રમભાઈ બામણીયા, વાલી, ભાણપુર

અન્ય સમાચારો પણ છે...