તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાકોર-સંતરામ-વડતાલ-ગળતેશ્વર અને ફાગવેલ મંદિર ઇતિહાસમાં પ્રથમ વખત બંધ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઇરસના હાહાકાર વચ્ચે સરકાર હવે છેક મંદિરોમાં શ્રધ્ધાળુઓની આસ્થા સુધી પહોંચી છે. રાજ્યના વિવિધ યાત્રાધામોમાં આવેલા નાના-મોટા મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ રાખવાના નિર્ણયમાં ખેડા જિલ્લાના યાત્રાધામો ડાકોર, વડતાલ સહિત સંતરામ મંદિર, ફાગવેલ તથા ગળતેશ્વર સહિતના અન્ય મંદિરોમાં પણ તા. 20 માર્ચથી દર્શનાર્થીઓ પ્રવેશ માટે બંધ રહેશે. જોકે, મંદિરમાં શ્રીજીના સેવા તથા ભોગ વગેરે યથાવત્ રહેશે. પ્રશાસન દ્ધારા હવે પછી નવો આદેશ ન થાય ત્યાં સુધી આ તમામ મંદિરો માત્ર દર્શનાર્થીઓ માટે જ બંધ રહેશે. કલેક્ટર આઇ. કે. પટેલે ગુરૂવારે બપોરે ડાકોરની મુલાકાત લીધી ત્યારે તેઓએ એવું નિવેદન આપ્યું હતું કે, ડાકોર અને વડતાલના મેનેજમેન્ટને હમણાં લોકોની ભીડ જામે તેવા કોઇ કાર્યક્રમો ન કરવા માટે વિનંતી કરી છે. તેની ગણતરીની મિનિટોમાં જ સરકાર દ્ધારા રાજ્યના તમામ યાત્રાધામોમાં શ્રધ્ધાળુઓ માટે હાલ પૂરતો પ્રવેશ બંધ રાખવાની સૂચના આપી હતી. આ અંગે ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય લેવાયો હતો. તેથી ખેડા જિલ્લામાં પણ ડાકોર, વડતાલ, સંતરામ મંદિર (નડિયાદ), ફાગવેલ અને ગળતેશ્વર જેવા યાત્રાધામોમાં મંદિરો બંધ રાખવાનો નિર્ણય જે તે મંદિર પ્રશાસને કર્યો હતો.

ડાકોરમાં મંદિરના મેનેજર અને સેવક આગેવાનો વચ્ચે મિટીંગ યોજાઇ હતી. જેમાં આ નિર્ણય લેવાયો હતો કે મંદિરના મુખ્ય દરવાજા સહિત બહાર નીકળવાનો ઉત્તર તરફનો દરવાજો તથા કોટનો દરવાજો શ્રધ્ધાળુઓ માટે બંધ રહેશે, અને મંદિર પ્રવેશ પણ બંધ રહેશે. આ ઉપરાંત રણછોડરાયજીના મંદિર તાબાના લક્ષ્મીજી મંદિર, નજીકનું બોડાણા મંદિર, રાધાકુંડ તથા ઉમરેઠ સ્થિત પગલાં મંદિરમાં પણ દર્શનાર્થીઓનો પ્રવેશ બંધ રહેશે. જોકે, આ તમામ મંદિરોમાં સવારથી સાંજ સુધીની સેવા, આરતી, શ્રૃંગાર તથા ભોગ વગેરે જેવી પ્રવૃત્તિઓ નિત્યક્રમાનુસાર ચાલુ જ રહેશે, તેવી સ્પષ્ટતા પણ મંદિર મેનેજમેન્ટ દ્ધારા કરાઇ છે. દર શુક્રવાર અને અગિયારસના ઉત્સવના રોજ સાંજે ઉત્થાપન આરતી બાદ મંદિરમાંથી શ્રીજીનો વરઘોડો નીકળી લક્ષ્મીજી મંદિરે જાય છે, તે વરઘોડો પણ નીકળશે. સેવકો અને મંદિર મેનેજમેન્ટે આ સાથે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે વૈષ્ણવોનો મંદિર પ્રવેશ તે અમારા માટે અત્યંત દુ:ખની વાત છે, પણ જાહેર હિતને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરવો પડ્યો છે. દર્શનાર્થીઓની સુખાકારી અને રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી બીજો હુકમ ન થાય ત્યાં સુધી વૈષ્ણવો માટે મંદિર પ્રવેશ બંધ રહેશે. જોકે, ઓનલાઇન દર્શન ચાલુ રહેશે. ઉપરાંત મંદિરની આસપાસમાં મોટા સ્ક્રીન અને ટી.વી. દ્ધારા શ્રધ્ધાળુઓને દર્શન થાય તેવી વ્યવસ્થા મંદિર મેનેજમેન્ટ દ્ધારા કરાઇ છે.

વડતાલ મંદિરના આસિસ્ટન્ટ કોઠારી સંતસ્વામીએ જણાવ્યું હતું કે સરકાર સાથેની વીડિયો કોન્ફરન્સ બાદ જિલ્લા કલેક્ટરને મળેલી સૂચના મુજબ વડતાલ મંદિર તા. 20થી તા. 31 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મંદિરમાં નિત્યક્રમ મુજબ ભગવાનની પૂજા અને આરતી ચાલુ રહેશે. તેથી હરિભક્તો માટે ઓનલાઇન દર્શન ચાલુ રહેશે. આ સાથે મંદિરના ઉતારા અને ભોજનાલય પણ બંધ રાખવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના આદેશને પગલે 20થી 31 માર્ચ સુધી મંદિર બંધ

મંદિરોમાં નિત્યક્રમ મુજબ સેવા અને ભોગ ચાલુ રહેશે : લાઇવ દર્શનની સુવિધા રહેશે

અન્ય સમાચારો પણ છે...