બોરસદમાં ખાનગી બસમાં લવાતો દારૂ ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોરસદમાં ચૂંટણી પંચની ટીમ દ્વારા કરવામાં આવેલા વાહન ચેકીંગ દરમિયાન મુંબઇથી ભાવનગર જતી બસને રોકવામાં આવી હતી. આ બસના ચેકીંગ દરમિયાન તેમાં ઘાસ ભરેલા પાંચ થેલામાં છુપાવેલો વિદેશી દારૂ મળી આવતાં ટીમ ચોંકી ગઇ હતી. આ મુદ્દામાલ કબજે કરી ડ્રાઇવર અને ક્લીનરની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં મુંબઇમાં અજાણ્યા શખસે આયુર્વેદિક દવાના બોક્સ હોવાનું કહી થેલા આપ્યાં હતાં, જે ભાવનગર આપવાના હતાં.

ચૂંટણીને લઇ પોલીસ દ્વારા જિલ્લાભરના મુખ્ય માર્ગો પર ચેકપોસ્ટ બનાવીને આવતા જતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બોરસદ - તારાપુર હાઇવે માર્ગ પર અનમોલ હોટલ નજીક પણ આ જ રીતે ચેકપોસ્ટ ઉભી કરાઈ છે. ગુરુવાર વહેલી સવારના ચેકપોસ્ટ પર પોલીસ અને ચુંટણી પંચની ટીમ દ્વારા મુંબઈથી ભાવનગર મુસાફરોને ભરી જતી યુનિટી ટ્રાવેલ્સની બસને રોકવામાં આવી હતી. જેમાં તપાસ કરતાં બસની ડીકીમાં પ્લાસ્ટિકના પાંચ જેટલા થેલા મળી આવ્યાં હતાં. જે શંકાસ્પદ જણાતાં અંદર તપાસતાં તેમાં સૂકું ઘાસ ભરેલું હતું અને નીચે વિદેશી દારૂની 73 બોટલો કિંમત રૂ.42,699 છુટ્ટી મળી આવી હતી. જે જોઇ ટીમ ચોંકી ગઇ હતી અને તુરંત ડ્રાઇવર અને ક્લિનીરની અટકાયત કરી બસના ડ્રાઇવર, ક્લિનીર સહિત ત્રણની અટકાયત કરી હતી. આ બનાવની પૂછપરછમાં વધુ બે નામ ખુલતાં પોલીસે કુલ પાંચ શખસ સામે ગુનો નોંધી 15 લાખની બસ અને મોબાઈલ મળી કુલ 15,49,195 રૂપિયાનો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. પોલીસે લકઝરીના બે ડ્રાયવરની પૂછપરછ કરતાં નામ મોઇનખાન ફોજદારખાન શેઠ (રહે.વડાલા મુંબઈ), સકીલઅહેમદ સિરાજઅહેમદ કુરેશી (રહે. મુંબઇ) અને ક્લિનર રફીકભાઇ અબ્દુલભાઈ ડુંગરિયા (રહે,વાગર તા.મહુવા) હોવાનું જણાવ્યું હતું.

ચૂંટણી પંચની ટીમને મળેલી સફળતા : રૂ.200ની લાલચમાં ડ્રાઈવર અને ક્લિનર દારૂની હેરાફેરીમાં પકડાયાં
બોરસદ પાસેથી ખાનગી બસમાંથી દારૂનો જથ્થો ઝડપાયો હતો.

ડ્રાઇવર-ક્લિનરની ધરપકડ

ભાવનગરમાં રિક્ષા ચાલકને થેલા આપવાના હતા
ડ્રાઇવર અને ક્લિનરે જણાવ્યું હતું કે, આ થેલામાં વિદેશી દારૂ છે એ અમોને ખબર જ નથી. આ થેલા વિરાર પાસે કાર ચાલક ે આપી ગયો હતો અને આ થેલામાં આર્યુવેદિક દવાઓના બોક્સ છે, જે ભાવનગર તળાજા જકાતનાકા પાસે રીક્ષાચાલકને આપવાના છે. તેમ જણાવીને કારના ચાલકે રીક્ષાવાળાનો મોબાઈલ નંબર આપ્યો હતો અને થેલા લઇ જવાના રૂ. 200 આપ્યા હતા.

મુસાફરોને ખાનગી વાહનોમાં ભાવનગર મોકલાયા
વાહન ચેકીંગ દરમિયાન મુસાફરો ભરેલી ખાનગી બસમાંથી વિદેશી દારૂ ઝડપાયો હતો. જેને લઇ બસમાં રહેલા તમામ મુસાફરોને નીચે ઉતારી દઈ બસને કબજે લેવામાં આવી હતી. જોકે, બસના તમામ મુસાફરોને અન્ય ખાનગી બસમાં જેમ જગ્યા હોય તેમ પોલીસ દ્વારા બેસાડવામાં આવ્યા હતા અને તમામ મુસાફરોને લકઝરી બસોમાં બેસાડી રવાના કરાયાં હતાં. બી.આર. ચૌહાણ, પીઆઇ, બોરસદ.

અન્ય સમાચારો પણ છે...