તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંખેડા મામલતદારના વૃક્ષો કાપવાના હુકમને મદદનીશ કલેક્ટરે સ્થગિત કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા તાલુકાના હાંડોદ ગામે સરકારી પડતર, બિન નંબરી, ગામતળ, ગૌચર તેમજ સ્મશાન તથા આજુબાજુની જમીનમાં જર્જરીત વૃક્ષો જે વીજળીના થાંભલાની આજુબાજુના 275 જેટલા વૃક્ષો કાપવા માટે મામલતદાર સંખેડાએ આપેલા હુકમને બોડેલી મદદનીશ કલેક્ટરે સ્થગિત કરવા આદેશ કર્યો. બે દિવસથી અત્રે તપાસનો ધમધમાટ ચાલુ છે.

સંખેડા તાલુકાના હાંડોદ ગ્રામ પંચાયત દ્વારા સંખેડા મામલતદાર સમક્ષ ગ્રામ પંચાયતના વિસ્તારમાં સરકારી પડતર, બિનનંબરી, ગામતળ, ગૌચર તેમજ સ્મશાનવાળી અને ગામના આંતરિક રસ્તાની આજુબાજુની જમીનમાં જર્જરીત વૃક્ષો જે વીજળીના થાંભલાની આજુબાજુના વૃક્ષો પડી જાય તેવી સ્થિતિમાં હોવાના કારણે દુર્ઘટના બને તે માટે ઝાડ કાપવાની પરવાનગી તા.19-9-2018ના રોજ માંગી હતી.

આ સંદર્ભે તા.5-2-2019ના રોજ આરએફઓ દ્વારા અપસેટ વેલ્યૂ નક્કી કરવામાં આવી હતી. જેને અને સરકારના અન્ય નિયમો અને ઠરાવો અનુસાર તા.15-2-2019ના રોજ સંખેડા મામલતદારે હાંડોદ ગ્રામ પંચાયતને કુલ 275 જેટલા વૃક્ષો કાપવા માટે અપસેટ વેલ્યૂ 555773.40 રૂપિયા નક્કી કરી હરાજીથી વેચાણ કરવા માટે આદેશ કર્યો હતો. જે અનુસાર હાંડોદ ગ્રામ પંચાયત દ્વારા તા.22-2-2019ના રોજ ગ્રામ પંચાયતના મકાનમાં જ જાહેર હરાજી કરાઇ હતી.

હરાજીમાં સૌથી વધુ બોલી 567786 રૂપિયાની બોલાઇ હતી. સૌથી વધુ આ કિંમત હોઇ પંચાયતે સૌથી વધુ રકમ બોલનારને આ વૃક્ષો કાપવા માટેની મંજૂરી આપી હતી. જે બાદ આ પંચાયત વિસ્તારમાંથી વૃક્ષો કાપવાનું શરૂ કરાયું હતું અને તા.8 અને 9 એપ્રિલ આ બે દિવસ સુધી અત્રે મદદનીશ કલેક્ટર બોડેલી દ્વારા મામલતદાર બોડેલી મારફતે સ્થળ ઉપર કેટલા વૃક્ષો છે. ખરેખર કેટલા વૃક્ષો કપાયા છે. એ બાબતેની પાસ હાથ ધરી હતી.

હાંડોદ ગામે જમીનમાંથી વૃક્ષો કાપેલા દેખાઇ રહ્યા છે.

વધારે ઝાડ કપાયા હોવાની ફરિયાદ મળતા તપાસ શરૂ કરવામાં આવી
હાંડોદ ગ્રામ પંચાયતના 275 વૃક્ષ કાપવા માટે મેં આપેલી મંજૂરી રદ કરવા માટે બોડેલી મદદનીશ કલેક્ટરે હુકમ કર્યો છે. કોઇએ રજૂઆત કરી હતી કે અહિયા વધારે ઝાડ છે. અને વધારે ઝાડ કપાયા છે. એટલે તપાસ કરાઇ છે. બે દિવસ તપાસ ચાલી હતી. 56 જેટલા જ ઝાડ કપાયા છે. કે.એમ.પંડવાળા-મામલતદાર સંખેડા

હરાજી પ્રક્રિયા બાદ વૃક્ષો કાપવાની પરવાનગી અાપી હતી

પંચાયતને 275 ઝાડ કાપવાની મંજૂરી મળી હતી. એ બાબતે કાયદેસર નિયમાનુસાર કાર્યવાહી કરીને હરાજી પ્રક્રિયા કરીને સૌથી વધુ બોલી બોલનારને ઝાડ કાપવા માટે પરવાનગી આપી હતી. પણ મામલતદાર દ્વારા અપાયેલી મંજૂરી બોડેલી મદદનીશ કલેક્ટર દ્વારા સ્થગિત કરવાનો આદેશ કર્યો છે. વિશાલ પટેલ,સરપંચ હાંડોદ

વૃક્ષો કાપવાની કામગીરી તુરંત બંધ કરવા આદેશ
બોડેલી મદદનીશ કલેક્ટર દ્વારા કરાયેલા હુકમ મુજબ મામલતદાર સંખેડા ખાતે પરવાનગી આપતા પહેલા નિયમોનુસાર પ્રોપર કાર્યવાહી કરેલ ન હોઈ તેમજ ઝાડના પ્રકારવાર સંખ્યા બતાવેલા ન હોઈ મામલતદાર સંખેડાએ તા.15 ફેબ્રુઆરી 2019નો કરેલો હુકમ તાત્કાલિક અસરથી સ્થગિત કરવા આદેશ કર્યો છે. એ મુજબ સંખેડા મામલતદારે હાંડોદ ગ્રા.પં.ને વૃક્ષો કાપવાની કામગીરી બંધ કરવા આદેશ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...